
મોરબી, તા. 17 જૂન 2026 : મહારાણા પ્રતાપ જન્મજયંતિ નિમિત્તે મોરબીમાં સીતારામ સેવા ગ્રુપ દ્વારા માનવસેવાનો સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો. શહેરના નવા બસ સ્ટેન્ડ સામે આયોજિત ઠંડાપીણા તથા છાસ વિતરણ કાર્યક્રમમાં અંદાજે 5,000થી વધુ લોકોને ઠંડાપીણા અને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજપૂત શિરમોર મહારાણા પ્રતાપના શૌર્ય, સ્વાભિમાન, રાષ્ટ્રભક્તિ અને ત્યાગમય જીવનને યાદ કરી યોજાયેલા આ કાર્યક્રમમાં રાહદારીઓ, મુસાફરો તેમજ સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ઉનાળાની ગરમી વચ્ચે લોકોને ઠંડાપીણા અને છાસ પીવડાવી સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સીતારામ સેવા ગ્રુપના સભ્યો ઉપરાંત મોરબી મહાનગર પાલિકાના કોર્પોરેટરો, ભાજપના આગેવાનો તેમજ સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ મહારાણા પ્રતાપના આદર્શો અને દેશપ્રેમને યાદ કરી તેમના જીવનમાંથી પ્રેરણા લેવા આહ્વાન કર્યું હતું.

આ આયોજન અંગે સીતારામ સેવા ગ્રુપના યોગીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દર વર્ષે મહારાણા પ્રતાપ જન્મજયંતિ નિમિત્તે વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ ઠંડાપીણા અને છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં પણ સમાજ ઉપયોગી અને લોકકલ્યાણકારી પ્રવૃત્તિઓ સતત યોજવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

























