
મોરબી, તા. 17 જૂન 2026 : મોરબીના ઐતિહાસિક દરબારગઢ ચોક ખાતે આવેલ શ્રી ખોડીયાર મંદિરને 40 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે માં ખોડીયાર મંદિર ટ્રસ્ટ દ્વારા સંવત જેઠ સુદ-5, તા. 19 જૂન 2026, શુક્રવારના રોજ ભવ્ય નવચંડી યજ્ઞ તથા મહાઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ટ્રસ્ટ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર સવારે 8:00 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા સુધી નવચંડી યજ્ઞ યોજાશે. ત્યારબાદ સાંજે 4:30 વાગ્યે બીડુ હોમવાનો કાર્યક્રમ યોજાશે. સાંજે 7:00 વાગ્યા પછી મહા આરતી તથા રાત્રે 8:00 વાગ્યા પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ દરબારગઢ ચોક સ્થિત શ્રી ખોડીયાર મંદિર ખાતે યોજાશે.

માં ખોડીયાર ગુજરાતભરના કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ભક્તોની માન્યતા મુજબ મા ખોડીયાર સર્વ દુઃખો દૂર કરી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરનારી જાગૃત શક્તિ સ્વરૂપ દેવી છે. મોરબીના દરબારગઢ સામે બિરાજમાન માં ખોડીયારના આશીર્વાદથી અનેક ભક્તોએ જીવનમાં સુખ, શાંતિ અને સંકટમુક્તિનો અનુભવ કર્યો હોવાનું ભક્તોમાં માનવામાં આવે છે. વર્ષોથી આ મંદિર ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આસ્થાનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે.

શ્રી ખોડીયાર મંદિરના 40 વર્ષ પૂર્ણ થવાના આ ઐતિહાસિક અવસરે યોજાનારા નવચંડી યજ્ઞ અને મહાઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ટ્રસ્ટના અગ્રણીઓએ મોરબી શહેર તથા આસપાસના વિસ્તારના તમામ ભાવિક ભક્તોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન, યજ્ઞ અને મહાઉત્સવનો લાભ લેવા તેમજ આ પાવન આયોજનના સાક્ષી બનવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

























