

અધિક માસની પવિત્ર અમાસના અવસરે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તેના “એડોપ્શન ઓફ માઁ” પ્રોજેક્ટ અંતર્ગત 20 જરૂરિયાતમંદ માતાઓ માટે વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.હિંદુ ધર્મમાં અધિક માસની અમાસનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે.

આ દિવસે દાન, પુણ્ય, સેવા અને જરૂરિયાતમંદોની મદદ કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે.

વડીલો અને માતૃશક્તિની સેવા કરવી તે સર્વોત્તમ પુણ્ય માનવામાં આવે છે. આ ભાવનાને સાકાર કરતાં મુસ્કાન વેલફેર સોસાયટીએ માતાઓને પ્રેમ અને સન્માન સાથે ભોજન કરાવ્યું હતું. ઉપરાંત તમામ 20 માતાઓને દૈનિક જીવન માટે ઉપયોગી બેઝિક રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વરસાદી ઋતુને ધ્યાનમાં રાખીને દરેક માતાને એક છત્રી તેમજ ગરમીથી રાહત મળે તે હેતુથી શરબતની બોટલ પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન માતાઓના ચહેરા પર પ્રસન્નતા અને સંતોષની લાગણી જોવા મળી હતી.
























