HomeAllમોરબી ઝૂલતા પુલ દુર્ઘટના: દંડાત્મક વળતર માટે સિવિલ કોર્ટમાં જાઓ, હેરિટેજ બ્રિજનું...

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના: દંડાત્મક વળતર માટે સિવિલ કોર્ટમાં જાઓ, હેરિટેજ બ્રિજનું રીસ્ટોરેશન કરો – ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ: મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલની ભયાનક દુર્ઘટનાના મામલામાં ગુજરાત હાઇકોર્ટમાં એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠે પીડિતોના વળતર અને બ્રિજના પુનઃનિર્માણને લઈને અત્યંત કડક અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. કોર્ટે સુઓમોટો જાહેર હિતની અરજીની કાનૂની મર્યાદાઓ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે જો પીડિત પરિવારો ઓરેવા કંપની કે સરકાર સામે વન-ટાઇમ અથવા વધારાનું દંડાત્મક વળતર મેળવવા માંગતા હોય, તો તેઓ સિવિલ કોર્ટના દ્વાર ખખડાવી શકે છે, કારણ કે સિવિલ કોર્ટ આ પ્રકારના દાવાઓ માટે યોગ્ય અને સક્ષમ ફોરમ છે.

અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે પીડિતોને આર્થિક નુકસાનનું યોગ્ય વળતર મળવું જ જોઈએ, પરંતુ સુઓમોટો રિટ પિટિશનની પણ અમુક કાનૂની સીમાઓ હોય છે. હાલમાં કંપનીના ટ્રસ્ટ દ્વારા અનાથ થયેલા બાળકોના શિક્ષણ, ઇજાગ્રસ્તોની સારવાર અને માતા-પિતા ગુમાવનારી દીકરીઓના લગ્ન જેવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. જો આ વ્યવસ્થાઓમાં કોઈ ખામી હોય તો જ હાઇકોર્ટ તેમાં હસ્તક્ષેપ કરશે. આ સિવાય વધારાના વળતર માટે પીડિતો સિવિલ કોર્ટમાં જવા માટે સ્વતંત્ર છે.

બીજી તરફ, હાઇકોર્ટે મોરબીના આ ઐતિહાસિક હેરિટેજ બ્રિજના રીસ્ટોરેશન એટલે કે તેને તેના મૂળ સ્વરૂપમાં પુનર્જીવિત કરવા અંગે રાજ્ય સરકારને આકરા સવાલો કર્યા હતા. અદાલતે સરકારને ટોકોર કરતા પૂછ્યું કે જો ગોંડલ બ્રિજના રીસ્ટોરેશન માટેનો પ્લાન તૈયાર થઈ શકતો હોય, તો મોરબીના આ હેરિટેજ બ્રિજ માટે અત્યાર સુધી શું નક્કર કાર્યવાહી કરવામાં આવી છે? કોર્ટે આ ઐતિહાસિક પુલના સમારકામ અને સુરક્ષાને લઈને સરકારના અભિગમ વિશે સ્પષ્ટતા માંગી છે અને આ અંગેનો રોડમેપ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે દુર્ઘટના માટે જવાબદાર નગરપાલિકાના અધિકારીઓ સામે અત્યાર સુધી લેવાયેલા શિસ્તભંગના પગલાંની વિગતો પણ માંગી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments