HomeAllમોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો...

મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રેરણાદાયી પ્રારંભ

આંગણવાડીથી ધોરણ-૯ સુધી ૩૪ હજારથી વધુ બાળકોના પ્રવેશ સાથે શિક્ષણના મહાઅભિયાનને મળશે નવી દિશા

મોરબી, તા. ૨૧ જૂન : રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શત-પ્રતિશત નામાંકન, દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન અને ડ્રોપઆઉટ દર ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે યોજાતા ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ અંતર્ગત મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં કાર્યક્રમોના સફળ અને સુચારુ આયોજન માટે કુલ ૨૨ વિશિષ્ટ રૂટ નક્કી કરવામાં આવ્યા છે.

તાલુકાવાર આયોજન મુજબ મોરબી તાલુકામાં ૬, હળવદમાં ૬, વાંકાનેરમાં ૫, ટંકારામાં ૩ અને માળીયા તાલુકામાં ૨ રૂટ ફાળવવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા આયોજનને અસરકારક બનાવવા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

આ વર્ષે જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં ૨,૦૧૯ કુમાર અને ૨,૦૬૭ કન્યાઓ મળી કુલ ૪,૦૮૬ બાળકો પ્રથમ વખત પ્રવેશ મેળવશે. જેમાં મોરબી તાલુકામાં ૧,૨૬૯, હળવદમાં ૧,૨૨૦, વાંકાનેરમાં ૧,૦૩૬, ટંકારામાં ૩૬૧ અને માળીયામાં ૨૦૦ બાળકોનો સમાવેશ થાય છે.

પૂર્વ-પ્રાથમિક શિક્ષણના મહત્વપૂર્ણ તબક્કા તરીકે બાલવાટિકામાં આ વર્ષે કુલ ૮,૮૮૨ બાળકો અક્ષરજ્ઞાનની શરૂઆત કરશે. જેમાં ૪,૩૧૦ કુમાર અને ૪,૫૭૨ કન્યાઓનો સમાવેશ થાય છે. તાલુકાવાર આંકડા મુજબ વાંકાનેરમાં ૨,૯૫૨, મોરબીમાં ૨,૮૯૮, હળવદમાં ૧,૮૨૭, ટંકારામાં ૬૬૭ અને માળીયામાં ૫૪૩ બાળકો બાલવાટિકામાં પ્રવેશ મેળવશે.

પ્રાથમિક શિક્ષણના પ્રથમ સોપાન સમાન ધોરણ-૧માં આ વર્ષે કુલ ૧૦,૬૨૦ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે, જેમાં ૫,૪૩૨ કુમાર અને ૫,૧૮૮ કન્યાઓનો સમાવેશ થાય છે. તાલુકાવાર રીતે મોરબીમાં ૩,૪૮૭, વાંકાનેરમાં ૨,૯૯૯, હળવદમાં ૨,૪૬૫, ટંકારામાં ૮૮૩ અને માળીયામાં ૭૮૬ બાળકો શાળાજીવનની નવી શરૂઆત કરશે.

માધ્યમિક શિક્ષણના મહત્વપૂર્ણ તબક્કા ધોરણ-૯માં કુલ ૧૦,૫૩૪ વિદ્યાર્થીઓ પ્રવેશપાત્ર બન્યા છે. જેમાં ૫,૨૮૧ કુમાર અને ૫,૨૫૩ કન્યાઓનો સમાવેશ થાય છે. મોરબી તાલુકામાં ૩,૨૭૫, વાંકાનેરમાં ૨,૮૮૦, હળવદમાં ૨,૬૨૫, ટંકારામાં ૮૯૨ અને માળીયામાં ૮૬૨ વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ કરશે.

મોરબી જિલ્લો શિક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિના નવા આયામો સ્થાપિત કરી રહ્યો છે. હાલમાં જિલ્લાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કુલ ૯૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં ૪૭,૫૪૮ કુમારો અને ૪૫,૯૩૭ કન્યાઓનો સમાવેશ થાય છે. આ આંકડા શિક્ષણ ક્ષેત્રે જિલ્લાના સકારાત્મક વિકાસ અને વધતા શૈક્ષણિક જાગૃતિના દ્યોતક છે.

૨૩થી ૨૫ જૂન દરમિયાન યોજાનારો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ માત્ર પ્રવેશ કાર્યક્રમ નહીં પરંતુ શિક્ષણ પ્રત્યેની સામાજિક જવાબદારીનું અભિયાન છે. આ આયોજન દ્વારા ૩૪ હજારથી વધુ બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. ખાસ કરીને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન, ગુણવત્તાસભર શિક્ષણનો વ્યાપ અને ડ્રોપઆઉટ દરમાં ઘટાડો લાવવા માટે આ મહોત્સવ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments