૧૮ જૂન સુધી ૧૫૬ આરોગ્ય ટીમો દ્વારા અંદાજે ૨.૭૫ લાખ નાગરિકોનું થશે સઘન સ્ક્રીનિંગ

મોરબી જિલ્લામાં રક્તપિત્ત (લેપ્રસી) જેવા ગંભીર રોગના નિર્મૂલન અને દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ‘લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય/લેપ્રસી અધિકારીના માર્ગદર્શન હેઠળ સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી આ અભિયાનને વિધિવત્ પ્રારંભ અપાયો હતો.

રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત ૨૨ ‘લો એન્ડેમિક’ જિલ્લાઓમાં મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના પાંચેય તાલુકાના ૧૦૭ ગ્રામ્ય તથા પોકેટ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. ૧૮ જૂન સુધી ચાલનારી આ ઝુંબેશ દરમિયાન જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય આશા બહેનો તથા પુરુષ સ્વયંસેવકોની કુલ ૧૫૬ વિશેષ ટીમો ઘર-ઘર જઈ નાગરિકોની શારીરિક તપાસ કરશે.

આ સર્વેક્ષણ હેઠળ જિલ્લાના અંદાજે ૨,૭૪,૯૯૮ નાગરિકોનું રક્તપિત્ત અંગે સ્ક્રીનિંગ કરવામાં આવશે. સાથે સાથે આરોગ્ય ટીમો દ્વારા લોકોને રોગના લક્ષણો, સાવચેતી અને સમયસર સારવાર અંગે માર્ગદર્શન આપી જનજાગૃતિ પણ ફેલાવવામાં આવશે.

સર્વેક્ષણ દરમિયાન જો કોઈ વ્યક્તિમાં રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાશે તો તેમને તાત્કાલિક મફત નિદાન અને સારવાર માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC), જનરલ હોસ્પિટલ અથવા સરકારી મેડિકલ કોલેજ ખાતે રિફર કરવામાં આવશે.

રોગની શરૂઆતના તબક્કામાં જ ઓળખ અને સારવારથી દર્દીની શારીરિક, માનસિક તથા આર્થિક સ્થિતિ પર અસર ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આરોગ્ય ટીમોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. શ્રીવાસ્તવ, કોર્પોરેટર મેઘરાજસિંહ ઝાલા, પૂર્વ કોર્પોરેટર સુરેશભાઈ સિરોહિયા, મીડિયા પ્રતિનિધિ સાહુનભાઈ પ્રજાપતિ, અર્બન હેલ્થ સેન્ટરના ડૉ. શ્યામ સોમૈયા, જિલ્લા ક્ષય કેન્દ્રના ડી.પી.સી. પિયુષભાઈ જોશી તેમજ લેપ્રસી પેરામેડિકલ વર્કર ધર્મેન્દ્રભાઈ વાઢેર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.























