
મોરબી, તા. 19 જૂન 2026 : ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિત પરિવારોના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે ‘ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પોતાના રહેણાંક માટે પાકા મકાનના નિર્માણ માટે કુલ રૂ. 1,70,000ની આર્થિક સહાય ચાર સરખા હપ્તામાં નિયમ મુજબ ચૂકવવામાં આવશે.

સફાઈ કામદારોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મૂકાયેલી આ યોજનાની વિશેષતા એ છે કે તેમાં કોઈપણ પ્રકારની આવક મર્યાદા નક્કી કરવામાં આવી નથી. પરિણામે વધુમાં વધુ પાત્ર સફાઈ કામદારો અને તેમના આશ્રિત પરિવારો આ યોજનાનો લાભ મેળવી શકે છે.

મોરબી જિલ્લાના તમામ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને પોતાના પાકા ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ સરકારના સત્તાવાર ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ https://eSamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

યોજનાની પાત્રતા, જરૂરી દસ્તાવેજો તેમજ અન્ય માર્ગદર્શન માટે જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, જિલ્લા સેવા સદન, સો ઓરડી, ઓફિસ નં. 46-47, મોરબી ખાતે રૂબરૂ સંપર્ક સાધવા જણાવાયું છે.

મોરબી જિલ્લા નાયબ નિયામકે જિલ્લાના પાત્ર સફાઈ કામદારો અને તેમના આશ્રિત પરિવારોને સમયમર્યાદામાં અરજી કરીને યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.
























