
મોરબીમાં દર વર્ષે પરશુરામ જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તે જ પરંપરાને આગળ વધારતાં રવિવારે પરશુરામ જયંતિ નિમિત્તે મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભૂદેવો સહપરિવાર જોડાયા હતા.

મોરબીના વાઘપરા શેરી નં. 4 સ્થિત ગાયત્રી મંદિરથી બપોરે 4:00 વાગ્યે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા રામ ચોક, શનાળા રોડ, હોસ્પિટલ ચોક, શાક માર્કેટ ચોક, નગર દરવાજા, સુભાષ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, વીસી ફાટક અને નવલખી રોડ માર્ગે ફરી પરશુરામ ધામ ખાતે પહોંચી પૂર્ણ થઈ હતી.

શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળેલી શોભાયાત્રાને લોકો દ્વારા ઉત્સાહભેર આવકારવામાં આવી હતી. પરશુરામ ધામ ખાતે અન્નકૂટ દર્શન, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન આગામી વર્ષ માટે મોરબી પરશુરામ યુવા ગ્રુપની નવી ટીમની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેમાં નવા પ્રમુખ તરીકે કૌશલભાઈ હિતેશભાઈ મહેતાને જવાબદારી સોંપવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ ઉદયભાઈ જોશી, મહામંત્રી વિશ્વાસભાઈ જોશી, હર્ષભાઈ વ્યાસ, વિજયભાઈ રાવલ સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.














