
મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી વર્લ્ડ ગિફ્ટ આર્ટિકલ ફેક્ટરીમાં રવિવારે બપોરના સમયે અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની જાણ થતાં જ ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકો તાત્કાલિક બહાર દોડી આવતા કોઈ જાનહાનિ થઈ નહોતી.

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીના બીજા માળે આવેલા કેમિકલ વિભાગમાં આગ લાગી હતી. ત્યાં કેમિકલના અંદાજે ૬૦ લીટર જેટલા ડબ્બાઓ રાખેલા હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓએ બીજા માળે આવેલા શેડ સહિતના ભાગને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો.

આગની જાણ થતાં જ મોરબી કોર્પોરેશનના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી.
મહત્વનું છે કે આગ લાગતા જ ફેક્ટરીમાં કામ કરતા અન્ય શ્રમિકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
ફેક્ટરીમાં લાગેલી આગના કારણે મોટા પાયે માલસામાનનું નુકસાન થયાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. હાલમાં આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
















