HomeAllજાપાનના વિજ્ઞાનીઓએ કરી એવી કમાલ કે હવે પેટ્રોલ-ડીઝલનું ટેન્શન ખતમ! અબજો રૂપિયા...

જાપાનના વિજ્ઞાનીઓએ કરી એવી કમાલ કે હવે પેટ્રોલ-ડીઝલનું ટેન્શન ખતમ! અબજો રૂપિયા બચશે

દુનિયાભરમાં જ્યારે ક્લીન એનર્જીની શોધ તેજ બની છે, ત્યારે જાપાનના વિજ્ઞાનીઓએ ભવિષ્યના સૌથી સ્વચ્છ ઈંધણ એટલે કે હાઇડ્રોજનને બનાવવાની એક અત્યંત સરળ અને સસ્તી રીત શોધી કાઢી છે. અત્યાર સુધી હાઇડ્રોજન બનાવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને ખર્ચાળ રહી છે, પરંતુ ક્યુશુ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર તાકાહિરો માત્સુમોતો અને તેમની ટીમે માત્ર લોખંડના આયન અને અલ્ટ્રાવાયોલેટ(UV) પ્રકાશનો ઉપયોગ કરીને હાઇડ્રોજન તૈયાર કરવામાં સફળતા મેળવી છે.

હાઇડ્રોજન ઉત્પાદનમાં નવો વળાંક

એક પ્રયોગ દરમિયાન જ્યારે મીથેનોલ, આયર્ન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના મિશ્રણ પર UV લાઈટ ફેંકવામાં આવી, ત્યારે તેમાંથી મોટી માત્રામાં હાઇડ્રોજન ગેસ છૂટો પડવા લાગ્યો હતો. પ્રોફેસર માત્સુમોતો આ સફળતાને એક સુખદ સંજોગ ગણાવે છે, જેણે વિજ્ઞાન માટે નવી આશા જગાવી છે.

મોંઘા કેટાલિસ્ટનો સસ્તો વિકલ્પ

સામાન્ય રીતે હાઇડ્રોજન બનાવવા માટે અશ્મીભૂત ઈંધણ(ફોસિલ ફ્યુઅલ)નો ઉપયોગ થાય છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જો આલ્કોહોલમાંથી હાઇડ્રોજન મેળવવો હોય તો અત્યાર સુધી ખૂબ જ મોંઘા અને દુર્લભ ધાતુના કેટાલિસ્ટની જરૂર પડતી હતી. જોકે, આ નવા સંશોધન મુજબ પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ એવા સસ્તા લોખંડનો ઉપયોગ કરીને મોંઘા કેટાલિસ્ટ જેટલી જ ઝડપે હાઇડ્રોજન મેળવી શકાય છે. આ પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉત્પાદનનો દર પ્રતિ કલાક 921 મિલીમોલ નોંધાયો છે, જે અત્યાર સુધીની શ્રેષ્ઠ સિસ્ટમની બરાબર છે.

આ પદ્ધતિની ખાસિયત એ છે કે તે માત્ર મીથેનોલ પૂરતી મર્યાદિત નથી; ઈથેનોલ, પ્રોપેનોલ તેમજ ગ્લુકોઝ અને સ્ટાર્ચ જેવા બાયોમાસમાંથી પણ હાઇડ્રોજન બનાવી શકાય છે, જે ભવિષ્યમાં કચરામાંથી ઉર્જા પેદા કરવાની દિશામાં મહત્ત્વનું ડગલું સાબિત થશે.

નવી ટેક્નોલોજી અને પડકારો

જોકે, આ નવી ટેક્નોલોજી સામે કેટલાક પડકારો પણ છે. વૈજ્ઞાનિકો હજુ સુધી આ પ્રતિક્રિયાના ચોક્કસ મીકેનિઝમ એટલે કે આ પ્રક્રિયા અંદરથી કેવી રીતે કામ કરે છે તેની સંપૂર્ણ વિગતો જાણી શક્યા નથી. આ ઉપરાંત, અન્ય પદાર્થો સાથે તેની કાર્યક્ષમતા વધારવી પણ એક મોટું લક્ષ્ય છે. તેમ છતાં, આ પદ્ધતિ એટલી સરળ છે કે પ્રોફેસર માત્સુમોતો ઈચ્છે છે કે બાળકો પણ આ પ્રયોગ કરીને વિજ્ઞાન તરફ પ્રેરાય. હાઇડ્રોજન ઈંધણ તરીકે બળે ત્યારે કાર્બન ડાયોક્સાઇડને બદલે માત્ર પાણીની વરાળ છોડે છે, તેથી જો આ સસ્તી પદ્ધતિ મોટા પાયે અમલમાં આવશે તો હાઇડ્રોજન કાર અને પાવર પ્લાન્ટ ચલાવવાનું અત્યંત સસ્તું થઈ જશે. આ શોધ ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં અને અશ્મીભૂત ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવામાં મહત્ત્વનો ભાગ ભજવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments