HomeAllમોરબીમાં રેલવેની મનમાનીથી નઝરબાગ ફાટક બંધ રહેતા વાહનચાલકો પરેશાન

મોરબીમાં રેલવેની મનમાનીથી નઝરબાગ ફાટક બંધ રહેતા વાહનચાલકો પરેશાન

મોરબી શહેરમાં રેલવે તંત્રની બેદરકારી અને મનમાનીના કારણે નઝરબાગ રેલવે ફાટક લાંબા સમય સુધી બંધ રહેતા વાહનચાલકો અને સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ટ્રેક મરામત અને મેન્ટેનન્સ કામગીરી માટે રાત્રિના સમયને બદલે દિવસ દરમિયાન ફાટક બંધ રાખવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, રેલવે તંત્ર દ્વારા અગાઉથી યોગ્ય જાહેરનામું કે નોટિસ આપવામાં આવતી નથી. પરિણામે લોકો અચાનક બંધ ફાટકને કારણે લાંબા ફેરા ફેરવવા મજબૂર બને છે.

ઘણા લોકોને ૨ થી ૩ કિલોમીટર સુધીનો વધારાનો રસ્તો કાપવો પડે છે, જેના કારણે સમય અને ઇંધણ બંનેનો વ્યય થાય છે.

નઝરબાગ વિસ્તારના રહીશોનું કહેવું છે કે આ ફાટક શહેરના અનેક વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ છે. અહીંથી રોજિંદા હજારો લોકો, વિદ્યાર્થીઓ, નોકરીયાતો તેમજ વેપારીઓ અવરજવર કરે છે. દિવસ દરમિયાન ફાટક લાંબા સમય સુધી બંધ રહેતા ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાય છે અને લોકોને ભારે મુશ્કેલી પડે છે.

લોકોમાં એવી પણ માંગ ઉઠી છે કે રેલવે તંત્રે મેન્ટેનન્સ કામગીરી રાત્રિના સમયમાં કરવી જોઈએ અને જો દિવસ દરમિયાન ફાટક બંધ રાખવો જરૂરી હોય તો અગાઉથી જાહેર નોટિસ, બેનર અથવા ડિજિટલ માહિતી દ્વારા લોકોને જાણ કરવી જોઈએ.

સ્થાનિકોએ રેલવે તંત્ર પાસે યોગ્ય આયોજન સાથે કામગીરી કરવા અને નાગરિકોની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માંગ કરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments