
મોરબી : મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય વસ્તી ગણતરીની કામગીરી સાથે જોડાયેલા શિક્ષકોને જનગણના અધિનિયમ-૧૯૪૮ની જોગવાઈ મુજબ ‘ઓન ડયુટી’ ગણવામાં આવે તેવી માંગ સાથે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

મોરબી જિલ્લામાં તા.૧ જૂનથી શિક્ષકોને ગણતરીદારો તથા સુપરવાઈઝર તરીકે ફિલ્ડમાં જઈ રાષ્ટ્રીય વસ્તી ગણતરીની કામગીરી સોંપવામાં આવી છે. બીજી તરફ ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં શાળાઓ શરૂ થઈ ગઈ હોવાથી શિક્ષકોને વિદ્યાર્થીઓને નિયમિત શિક્ષણ આપવાની ફરજ પણ નિભાવવી પડી રહી છે. બન્ને પ્રકારની જવાબદારીઓ સાથે સંભાળવી મુશ્કેલ બની રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે રજૂઆતમાં જણાવ્યું હતું કે જનગણના અધિનિયમ-૧૯૪૮ની કલમ-૧૫(A) મુજબ વસ્તી ગણતરીની કામગીરી માટે ખર્ચાયેલ સમયગાળાને કર્મચારીની મૂળ ફરજ તરીકે ગણવાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે. છતાં હાલ શિક્ષકોને શાળાની ફરજ સાથે વધારાની જનગણનાની કામગીરી પણ બજાવવી પડી રહી છે.

હાલની અસહ્ય ગરમી વચ્ચે શિક્ષકોને શેરીએ-શેરીએ ફરી ઘર ગણના માટે નંબરિંગ કરવું, નઝરી નકશો તૈયાર કરવો તેમજ ઘરે-ઘરે જઈ વસ્તી ગણતરીની ૩૪ કોલમની ઓનલાઈન એન્ટ્રી કરવાની કામગીરી સોંપવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં નિયમિત શૈક્ષણિક કાર્ય સાથે સમયમર્યાદામાં વસ્તી ગણતરી પૂર્ણ કરવી મુશ્કેલ બની રહી હોવાનું મહાસંઘે જણાવ્યું હતું.

આથી વસ્તી ગણતરીની કામગીરી સાથે જોડાયેલા શિક્ષકોને સમયમર્યાદામાં અસરકારક રીતે કામ પૂર્ણ કરી શકે તે માટે તેમને ‘ઓન ડયુટી’ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હોવાનું અંતમાં જણાવાયું છે.
























