
ગુજરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરવામાં આવશે. જેમાં કેટલીક નવી એસઓપી પણ હશે. આ અંગેની એસઓપી ટૂંક સમયમાં જાહેર કરાશે. જેમાં એક નવી કેટેગરી ઉમેરવામાં આવશે, જેને અલ્ટ્રા મેગા તરીકે ઓળખવામાં આવશે. પોલિસી ડ્રાફ્ટ અનુસાર, થ્રસ્ટ સેક્ટર્સના એકમો જેમાં ઓછામાં ઓછું રૂ. 10,000 કરોડનું રોકાણ હોય અને જે ઓછામાં ઓછા 3000 લોકોને રોજગારી પૂરી પાડતા હોય તેવી એકમોનો સમાવેશ કરાશે. સરકાર દ્વારા સૂચિત નીતિમાં થ્રસ્ટ સેક્ટર્સની સંખ્યા વર્તમાન 9 થી વધારીને 16 કરવામાં આવી છે. ડ્રાફ્ટમાં વધુમાં જણાવાયું છે કે, દર વધારાના રૂ. 5000 કરોડના રોકાણ માટે વધારાના 500 લોકોને રોજગારી આપવી ફરજિયાત રહેશે.

અત્યાર સુધી, રૂ. 10,000 કરોડથી વધુનું રોકાણ ધરાવતા ઉદ્યોગોને મેગા ઇન્ડસ્ટ્રીઝ તરીકે ગણવામાં આવતા હતા અને તેમને ‘આત્મનિર્ભર ગુજરાત’ યોજના હેઠળ ખાસ લાભો અપાતા હતા. સૂત્રોએ જણાવ્યું કે, સરકારે હવે પોલિસીમાં જ અલ્ટ્રા મેગા ઉદ્યોગોની અલગ કેટેગરી બનાવવાનું નક્કી કર્યું છે, જેમાં સૂચિત રોકાણ, રોજગારની ગેરંટી અને પ્રોત્સાહનોની સ્પષ્ટ વ્યાખ્યા હશે. આવા ઉદ્યોગોને મૂડી રોકાણ પર 40% સુધીનું ઇન્સેન્ટિવ મળશે અને તેઓ કેપિટલ સબસિડી, વ્યાજ સબસિડી અને વીજળી દરમાં રાહત જેવા વિકલ્પો પસંદ કરી શકશે.

આ યાદીમાં સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રી, ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટ, વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી, ઇલેક્ટ્રોનિક વેસ્ટ રિસાયકલિંગ, ટેક્સટાઇલ વેસ્ટ રિસાયકલિંગ, શિપિંગ કન્ટેનર મેન્યુફેક્ચરિંગ, હેવી અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ, રોબોટ અને ડ્રોન મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રીન એનર્જી, કેપિટલ ઇક્વિપમેન્ટ, કાપડ, એગ્રો-ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ અને હેલ્થકેર જેવા ક્ષેત્રો અગાઉથી જ સામેલ છે.

પ્રોજેક્ટ THRIVE: પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છ શહેરો માટેની યોજના
ગુજરાતની આ આગામી ઔદ્યોગિક નીતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા ઉદ્યોગોને શહેરી વિસ્તારની બહાર સ્થળાંતર કરવા પ્રોત્સાહિત કરવા માટે એક મહત્વાકાંક્ષી યોજના પ્રસ્તાવિત કરવામાં આવી છે. આ સ્કીમનું નામ પ્રોજેક્ટ THRIVE (Transition for Harmonized Relocation and Inclusive Vibrant Economy) રાખવામાં આવ્યું છે, જે સ્થળાંતરને સરળ બનાવવા માટે નાણાકીય પ્રોત્સાહનો, નિયમોમાં છૂટછાટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ પૂરો પાડશે.

સૂચિત માળખા હેઠળ, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કાર્યરત ઓછામાં ઓછા 10 ઔદ્યોગિક એકમો સાથે મળીને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ની હદ બહાર ખાનગી ઔદ્યોગિક વસાહત (Private Industrial Estate) સ્થાપી શકે છે. વ્યક્તિગત એકમો પણ સ્વતંત્ર રીતે સ્થળાંતર કરવા પાત્ર રહેશે અને આવા પ્રોજેક્ટ્સને ઝડપી મંજૂરીઓ આપવામાં આવશે.

મળવાપાત્ર મુખ્ય લાભો
સ્થળાંતરિત થયેલા એકમોને સરકારી પ્રોત્સાહનોના હેતુ માટે “નવા એકમો” તરીકે ગણવામાં આવશે, જેથી તેઓ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ (FCI) ના તમામ લાભો મેળવી શકશે. સ્થળાંતર પછી 6 મહિના માટે કર્મચારી દીઠ દર મહિને રૂ. 5000 ની વેતન સહાય સબસિડી આપવામાં આવશે. જો GIDC હાલની વસાહતમાંથી ઉદ્યોગોને ખસેડવા માટે નવી વસાહત સ્થાપશે, તો રાજ્ય સરકાર વિકાસ ખર્ચના 50% રીઇમ્બર્સ (પરત) કરશે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે GIDC આવી વસાહતો માટે સામૂહિક પર્યાવરણીય મંજૂરી મેળવશે, જેથી વ્યક્તિગત એકમોએ અલગથી પર્યાવરણીય મંજૂરી લેવાની જરૂર નહીં રહે.

વૈશ્વિક મોડલ અને ભવિષ્યનું આયોજન
સૂત્રોએ જણાવ્યું કે આ નીતિ ચીનના બેઇજિંગ, ગુઆંગડોંગ, જિયાંગસુ અને વિયેતનામના હો ચી મિન્હ સિટી જેવા શહેરોના ઔદ્યોગિક સ્થળાંતર મોડલનો અભ્યાસ કરીને તૈયાર કરવામાં આવી છે. ગુજરાતના શહેરો હાલમાં મોટા આંતરરાષ્ટ્રીય રમતગમત મહોત્સવો માટે તૈયારી કરી રહ્યા છે, ત્યારે શહેરી પુનઃવિકાસ અને પર્યાવરણીય ચિંતાઓને દૂર કરવા આ પગલું મહત્વનું છે.

આ ઉપરાંત સૂત્રોએ ઉમેર્યું કે, ઘણી ઔદ્યોગિક વસાહતો એક સમયે શહેરની બહાર હતી તે હવે વિસ્તરતા શહેરોનો ભાગ બની ગઈ છે. શ્રેષ્ઠ કનેક્ટિવિટી અને સરકારી સહાય સાથે શહેરની સરહદોની બહાર સ્થળાંતર કરવાથી ઉદ્યોગો અને શહેરી વિકાસ બંનેને ફાયદો થશે.





















