HomeAllમોરબીમાં 27 ઓક્ટોબરથી 10 દિવસીય સ્વદેશી મેળાનો પ્રારંભ

મોરબીમાં 27 ઓક્ટોબરથી 10 દિવસીય સ્વદેશી મેળાનો પ્રારંભ

‘સર્જનથી સમૃદ્ધિ’ થીમ હેઠળ રત્નકલા ગ્રાઉન્ડ ખાતે સ્થાનિક ઉત્પાદનો, હસ્તકલા અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રહેશે જમાવટ

મોરબી, તા. 14 ઓક્ટોબર, 2026: સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને ‘લોકલ ફોર વોકલ’ના સંકલ્પને સાકાર કરવાના હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી તા. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર, 2026 દરમિયાન ‘સર્જનથી સમૃદ્ધિ’ થીમ પર સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના સ્કાય મોલની બાજુમાં આવેલા રત્નકલા ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ મેળામાં સ્થાનિક કારીગરો, સ્વદેશી ઉત્પાદનો અને સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી હસ્તકલાની વસ્તુઓને પ્રદર્શન અને વેચાણ માટે સ્થાન મળશે.

મેળામાં સ્થાનિક હસ્તકલા અને સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણ થકી મહિલા સ્વસહાય જૂથોને આર્થિક પ્રવૃત્તિની તક મળશે. સાથે જ સ્થાનિક કૌશલ્ય, સર્જનાત્મકતા અને નાના વ્યવસાયોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવશે. મુલાકાતીઓ માટે મેજિક શો, લોક ડાયરો, યોગા થીમ આધારિત પ્રસ્તુતિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સ્વચ્છતા અને જનજાગૃતિને લગતાં નાટકોનું આયોજન કરવામાં આવશે.

મેળાની તૈયારીઓ અને વ્યવસ્થાપનને આખરી ઓપ આપવા મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્ટોલની વ્યવસ્થિત ગોઠવણી, કાર્યક્રમોના આયોજન, વાહન પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાપન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મેળામાં આવનારા નાગરિકોને સુવિધા મળી રહે અને સમગ્ર આયોજન સુચારુ રીતે પાર પડે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર બ્રિજેશ કાલરીયા, નાયબ પોલીસ અધિક્ષક પરમાર, જિલ્લા આયોજન અધિકારી વી. બી. માંડલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ સહિત વિવિધ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબીમાં યોજાનારો આ સ્વદેશી મેળો સ્થાનિક ઉત્પાદનોને બજાર પૂરું પાડવાની સાથે નાગરિકોને ખરીદી, મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમન્વિત અનુભવ કરાવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments