HomeAllમોરબીમાં વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો: બોરવેલ વ્યવસાયી દ્વારા પોલીસ ફરિયાદ...

મોરબીમાં વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો: બોરવેલ વ્યવસાયી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી જિલ્લામાં વ્યાજખોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મોરબી તાલુકાના ખાનપર ગામના એક બોરવેલ વ્યવસાયી દ્વારા બે વ્યક્તિઓ વિરુદ્ધ ઊંચા વ્યાજે નાણાં ધીરાણ આપી માનસિક ત્રાસ અને ધમકીઓ આપવાના આક્ષેપ સાથે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ખાનપર ગામે રહેતા અને બોરવેલનો વ્યવસાય કરતા પારસભાઈ રમેશભાઈ રૈયાણી (ઉ.વ. 32) એ કોયલી ગામના પરબતભાઈ સવજીભાઈ રબારી તથા ગજડી ગામના નિકુંજ ઉર્ફે નિતીનભાઈ વાસીયાંભાઈ જારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ અનુસાર, આર્થિક જરૂરિયાતને કારણે ફરિયાદીએ આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે ઊંચા માસિક વ્યાજે નાણાં લીધા હતા. આરોપીઓએ ગેરંટી તરીકે સહી કરાવેલા કોરા ચેક તેમજ હાથઉછીના લખાણ મેળવી લીધા હોવાનું જણાવાયું છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી પરબતભાઈ પાસેથી રૂ. 4 લાખ તથા નિકુંજ ઉર્ફે નિતીનભાઈ પાસેથી રૂ. 1.50 લાખ લેવામાં આવ્યા હતા. ફરિયાદીનો આક્ષેપ છે કે વ્યાજરૂપે મોટી રકમ ચૂકવ્યા બાદ પણ આરોપીઓ દ્વારા વધુ રકમની માંગણી કરી ધમકીઓ આપવામાં આવતી હતી. ઉપરાંત કોરા ચેકના આધારે કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી માનસિક ત્રાસ પહોંચાડવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments