
મોરબી : મોરબી જિલ્લામાં નર્મદા યોજના સહિત વિવિધ જૂથ પાણી પુરવઠા યોજનાઓ મારફતે અનેક ગામો સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની તંગી વચ્ચે જ પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ગેરકાયદેસર રીતે ભંગાણ કરી ખેતી માટે પાણી વપરાતું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GWIL) દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પસાર થતી મુખ્ય પાણી પુરવઠા લાઈનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

તે દરમિયાન નાગડાવાસ ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર ૫ની જમીન પાસે પાણીની લાઈનમાં આવેલા એરવાલ્વમાં ઇરાદાપૂર્વક લીકેજ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસ કરતાં થોડા અંતરે ખાડો બનાવી તેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવતો હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું.

આ મામલે જીડબ્લ્યુઆઈએલના સુપરવાઈઝર વિપુલભાઈ શામજીભાઈ વેકરિયા રહે. સંસ્કાર સીટી, મવડી, રાજકોટ દ્વારા જમીન માલિક મેરામભાઈ રાઠોડ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદના આધારે પોલીસે ધ પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ તથા ઘરવપરાશ પાણી પુરવઠા સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.























