
મોરબી શહેરમાં એક તરફ જન્મદિવસોની ઉજવણીમાં આડંબર અને ખર્ચાળ પાર્ટીઓનો ટ્રેન્ડ વધી રહ્યો છે, ત્યારે શહેરના અગ્રણી પ્રિતેશભાઈ માવજીભાઈ બોપલિયાએ પોતાની સુપુત્રી કુમારી નક્ષત્રાના પ્રથમ જન્મદિનને આધ્યાત્મિક અને સમાજપ્રેરક સ્વરૂપ આપી અનોખી મિસાલ સ્થાપી છે.

કુમારી નક્ષત્રાના પ્રથમ જન્મોત્સવ નિમિત્તે યોજાયેલા શુભ પ્રસંગમાં ઉપસ્થિત સ્નેહીજનો, મિત્રો અને મહેમાનોને 450થી વધુ પવિત્ર ધાર્મિક પુસ્તકો પ્રસાદીરૂપે ભેટ આપવામાં આવ્યા હતા.

આ પહેલનો મુખ્ય હેતુ સમાજમાં વાંચન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો તેમજ નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક મૂલ્યો સાથે જોડવાનો રહ્યો હતો.પ્રસંગ દરમિયાન મહેમાનોને શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ, હરિવંશ પુરાણ તેમજ અધિક માસની પવિત્ર વાર્તાઓ જેવા ધાર્મિક ગ્રંથો આદરપૂર્વક અર્પણ કરવામાં આવ્યા હતા.

ઉપસ્થિત લોકોએ આ અનોખી લહાણીનું હાર્દિક સ્વાગત કર્યું હતું.આ અવસરે પ્રિતેશભાઈ માવજીભાઈ બોપલિયાએ જણાવ્યું હતું કે, “દીકરી પરિવારનું ગૌરવ અને સંસ્કારનું પ્રતિક છે.

તેના પ્રથમ જન્મદિવસે જ્ઞાન અને ધર્મનો પ્રસાદ વહેંચવાનો અવસર મળ્યો તે અમારે માટે ગૌરવની બાબત છે. પુસ્તક માનવજીવનનું શ્રેષ્ઠ માર્ગદર્શન છે અને સારા સંસ્કારો સમાજને ઉજ્જવળ બનાવે છે.”બોપલિયા પરિવારની આ વિચારશીલ અને સંસ્કારસભર પહેલને પ્રસંગમાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ સમાજના આગેવાનો દ્વારા વખાણવામાં આવી હતી.

સોશિયલ મીડિયામાં પણ આ આયોજનને વ્યાપક પ્રશંસા મળી રહી છે. કુમારી નક્ષત્રાના જન્મદિવસે કરાયેલ આ “જ્ઞાન લહાણી” સમાજ માટે પ્રેરણારૂપ બની અન્ય પરિવારોને પણ સમાજઉપયોગી કાર્યો તરફ પ્રોત્સાહિત કરશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.























