
મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની અછત સર્જાતા ટ્રક ચાલકો, ઉદ્યોગકારો તેમજ સામાન્ય વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જિલ્લામાં આવેલા અનેક પેટ્રોલપંપો પર ડીઝલનો પુરવઠો ખોરવાઈ જતા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ જિલ્લાના આશરે 200 જેટલા પેટ્રોલપંપોમાંથી 40થી વધુ પંપો પર ડીઝલનો જથ્થો ખૂટી જતા સપ્લાય બંધ કરવાની નોબત આવી છે. જેના કારણે અન્ય કાર્યરત પંપો પર ભારે ભીડ ઉમટી રહી છે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ અને સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા વાહનચાલકોને વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ મોરબીમાં રોજબરોજ હજારો ટ્રકોની અવરજવર રહે છે. ડીઝલની અછતના કારણે ટ્રકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થઈ રહ્યો છે.

જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓએ હાલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે. કેટલાક પંપો પર વધતી માંગ અને સપ્લાયમાં વિલંબને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

અધિકારીઓએ ટૂંક સમયમાં પુરવઠો સામાન્ય થઈ જશે તેવી આશા વ્યક્ત કરી છે.ડીઝલની અછતને કારણે ઉદ્યોગ ક્ષેત્ર પર પણ અસર પડી રહી છે. ખાસ કરીને સિરામિક ઉદ્યોગમાં કાચામાલ અને તૈયાર માલના પરિવહનમાં વિલંબ સર્જાતા વેપારીઓ ચિંતિત બન્યા છે. લોકોમાં પણ પરિસ્થિતિને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠી રહી છે.
























