HomeAllમોરબીના રાજનગર વિસ્તારમાં લો વોલ્ટેજથી ત્રસ્ત મહિલાઓનો પીજીવીસીએલ કચેરીએ આક્રોશ

મોરબીના રાજનગર વિસ્તારમાં લો વોલ્ટેજથી ત્રસ્ત મહિલાઓનો પીજીવીસીએલ કચેરીએ આક્રોશ

મોરબી, તા. ૧૫ : મોરબી શહેરના રાજનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી સર્જાતી લો વોલ્ટેજની સમસ્યાને લઈને રહીશો ભારે પરેશાન બની ગયા છે.

દર મહિને છથી આઠ હજાર રૂપિયા જેટલા વીજ બિલ ભરવા છતાં પૂરતો પાવર ન મળતા આજે મહિલાઓએ પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા બે વર્ષથી ટ્રાન્સફોર્મર (ટી.સી.) બદલવાની માંગ કરવામાં આવી રહી છે.

નિયમ મુજબની રકમ પણ ભરવામાં આવી છે, છતાં આજદિન સુધી યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. રાત્રિના સમયે અત્યંત લો વોલ્ટેજ રહેતા એસી સહિતના વીજ ઉપકરણો પણ ચાલુ થઈ શકતા નથી, જેના કારણે ઉનાળાની ગરમીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજનગર સોસાયટીની મહિલાઓએ પીજીવીસીએલ કચેરી ખાતે આક્રોશભેર રજૂઆત કરી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆતો છતાં અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિક કામગીરી થતી નથી.

માત્ર રાજનગર જ નહીં પરંતુ શહેરના સાવસર પ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં પણ વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો ઉઠી રહી છે. સપ્તાહમાં અનેક વખત વીજ કપાત થતા લોકો ગરમીમાં પરેશાન બની રહ્યા છે. સાથે જ કમ્પ્લેન નંબર પર ફોન ન લાગતા ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે.

આ મામલે શહેર પેટા વિભાગીય કચેરીના જુનિયર ઇજનેર એમ. સમિયાએ જણાવ્યું હતું કે ટી.સી. મૂકવા માટે અગાઉ બે વખત કામગીરી હાથ ધરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સોસાયટીના આંતરિક પ્રશ્નોને કારણે જાહેર પ્લોટમાં ટી.સી. મૂકવાની મંજૂરી મળી નહોતી.

હાલમાં લોડ વધારાની નવી અરજી દસ દિવસ પહેલા કરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવામાં આવી છે. જોકે લેબરની અછતને કારણે કામગીરીમાં વિલંબ થયો હોવાનું તેમણે જણાવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments