HomeAllમુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મોરબીનો બેલા-ભરતનગર રોડ બન્યો વિકાસનો નવો માર્ગ

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મોરબીનો બેલા-ભરતનગર રોડ બન્યો વિકાસનો નવો માર્ગ

રૂ. ૨૩૩૩.૭૦ લાખના ખર્ચે સાકાર થયેલા માર્ગથી ગ્રામીણ અર્થતંત્ર, પરિવહન અને સિરામિક ઉદ્યોગને મળ્યો વેગ

મોરબી, તા. ૧૮ : ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી સર્વાંગી વિકાસને વેગ આપવાના હેતુથી અમલમાં મુકાયેલી ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ મોરબી જિલ્લાના બેલા-ભરતનગર રોડનું મજબૂતીકરણ અને સુધારણા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. રૂપિયા ૨૩૩૩.૭૦ લાખના ખર્ચે સાકાર થયેલા આ માર્ગ વિકાસ કાર્યથી ગ્રામ્ય જનજીવન, પરિવહન વ્યવસ્થા તેમજ મોરબીના સિરામિક ઉદ્યોગને નોંધપાત્ર લાભ મળ્યો છે.

મોરબી તાલુકાના આર્થિક અને ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એવા ‘બેલા થી ભરતનગર રોડ કિમી ૦/૦૦ થી ૭/૧૦૦’ ના સ્ટ્રેન્ધનીંગ અને ઈમ્પ્રુવમેન્ટ કાર્ય દ્વારા માર્ગને વધુ મજબૂત, સુરક્ષિત અને સુવિધાસભર બનાવવામાં આવ્યો છે. વહીવટી તંત્રની સુચારૂ કામગીરીના પરિણામે આ પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક નાગરિકો અને ઉદ્યોગોને સીધો લાભ મળી રહ્યો છે.

આધુનિક સુવિધાઓથી સજ્જ બનેલા આ માર્ગ પર વાહનચાલકોની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી છે. માર્ગ પર યોગ્ય સાઈનબોર્ડ, સુવ્યવસ્થિત ડિવાઈડર તેમજ રાત્રિના સમયે વધુ દૃશ્યતા માટે રિફ્લેક્ટર્સની સુવિધા ઉભી કરવામાં આવી છે. પરિણામે દૈનિક મુસાફરી વધુ સુરક્ષિત, સરળ અને ઝડપી બની છે. આ માર્ગનો ઉપયોગ કરતા હજારો વાહનચાલકોના સમય અને ઇંધણની બચત થવા સાથે પરિવહન વ્યવસ્થામાં પણ ગુણાત્મક સુધારો નોંધાયો છે.

મોરબીનો વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ આ માર્ગના વિકાસથી વિશેષ લાભાન્વિત થયો છે. સિરામિક ઉદ્યોગ માટે જરૂરી કાચા માલની સમયસર હેરફેર તેમજ તૈયાર ઉત્પાદનોને દેશ-વિદેશના બજારો અને બંદરો સુધી પહોંચાડવાની પ્રક્રિયા વધુ સરળ બની છે. ટ્રકો અને કન્ટેનરોની અવરજવર ઝડપી બનતાં પરિવહન ખર્ચ અને સમય બંનેમાં ઘટાડો થયો છે, જેના કારણે સ્થાનિક ઉદ્યોગોને નવી ગતિ મળી છે.

આ માર્ગ પર આવેલું ખોખરા હનુમાન મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. માર્ગના નવીનીકરણથી મંદિરે દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ, વડીલો અને પ્રવાસીઓ માટે અવરજવર વધુ સુવિધાજનક બની છે. ગ્રામ્ય વિસ્તારોને ગુણવત્તાસભર માર્ગ વ્યવસ્થાથી જોડવાના રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે આ વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન મળ્યું છે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સાકાર થયેલું બેલા-ભરતનગર રોડનું આ વિકાસ કાર્ય માત્ર એક માર્ગ નિર્માણ પ્રોજેક્ટ નથી, પરંતુ ગ્રામ્ય અર્થતંત્ર, ઉદ્યોગ, વેપાર અને જનસુવિધાઓને જોડતું વિકાસનું મજબૂત સેતુ છે. રાજ્ય સરકારની લોકકલ્યાણકારી અને વિકાસલક્ષી નીતિઓના પરિણામે મોરબી જિલ્લાના નાગરિકોને વધુ સુગમ, સુરક્ષિત અને આધુનિક પરિવહન વ્યવસ્થાની ભેટ મળી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments