
અલનીનોથી પ્રભાવિત ચોમાસાનું ગુજરાતમાં આગમન થયું નથી અને હજુ આવતા આઠ-દસ દિવસ નીકળી જવાની સંભાવના છે તે પૂર્વે રાજ્યના કેટલાક ભાગોમાં પ્રિ-મોન્સુન એક્ટીવીટી શરુ થઇ હોય તેમ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબક્યો હતો.

મહીસાગરના બાલાસિનોરમાં છ ઇંચ વરસાદ થતાં રસ્તાઓ જળબંબાકાર બન્યા હતા. 15 તાલુકામાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ થયો હતો. આ સિવાય અરવલ્લી, ખેડા, પંચમહાલ તથા વડોદરાના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે સતાવાર ચોમાસાનું આગમન બાકી છે પરંતુ હવે પ્રિ-મોન્સુન ધમાકેદાર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 63 તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ થયો હતો.

બાલાસિનોરમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ થયો હતો. ભિલોડા તથા સતલાસણામાં 3-3 ઇંચ પાણી વરસ્યું હતું. બાગડ-મોડામાં હળવો વરસાદ હતો. ખેડાના ગળતેશ્વર તથા કપડવંજમાં સવા બે ઇંચ, વડોદરાના દેસરમાં બે ઇંચ, પંચમહાલના ધોધંબામાં બે ઇંચ તથા જાંબુઘોડામાં બે ઇંચ, છોટા ઉદેપુરના કડવાલમાં બે ઇંચ વરસાદ હતો.

આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના વાતાવરણમાં પણ બદલાવ થયો હતો. બાવળા સહિતના તાલુકાઓ કાળાડીબાંગ વાદળો ઘેરાયા હતા. પરંતુ વરસાદ માત્ર ઝાપટારૂપે જ વરસ્યો હતો. બગોદરામાં વિજળીના કડાકાભડાકા સાથે વરસાદ થયો હતો.

ધોલેરામાં ઝાપટુ પડ્યું હતું. અમદાવાદના એસજી હાઇવે, મકરબા, સરખેજ જેવા ભાગોમાં ઝાપટા પડ્યા હતા. પંચમહાલના ગોધરા જેવા અન્ય ભાગોમાં હળવો વરસાદ થયો હતો.

રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટીવીટી શરૂ થવાને પગલે લોકોમાં ચોમાસાના આગમન વરસાદની આશા બંધાઇ છે. જો કે, હજુ એકાદ સપ્તાહ સુધી ચોમાસાનું આગમન થવા વિશે શંકા છે.






















