
મોરબી, તા. 18 જૂન : કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે મોરબી જિલ્લા વહીવટીતંત્ર તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે મોરબી ખાતે સરકારની વિવિધ વિકાસલક્ષી સિદ્ધિઓને ઉજાગર કરતું વિશેષ પ્રદર્શન યોજાયું હતું.

મોરબીના સનાળા વિસ્તારમાં આવેલી પટેલ સમાજ વાડી ખાતે તા. 11 થી 13 જૂન, 2026 દરમિયાન આયોજિત ત્રિદિવસીય ‘‘સરકારની સિદ્ધિઓના પ્રદર્શન’’ને સ્થાનિક નાગરિકો, યુવાનો, મહિલાઓ અને વિવિધ વર્ગના મુલાકાતીઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો. ત્રણ દિવસ દરમિયાન એક હજારથી વધુ લોકોએ પ્રદર્શનની મુલાકાત લઈ સરકારના વિકાસકાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી.

પ્રદર્શનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ, શિક્ષણ ક્ષેત્રે થયેલા પરિવર્તનો, આરોગ્ય સેવાઓના વિસ્તરણ, આધુનિક માળખાકીય સુવિધાઓના વિકાસ તેમજ ઔદ્યોગિક પ્રગતિને આકર્ષક તસવીરો, માહિતીપટ અને વિગતવાર રજૂઆતો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી.

આ પ્રદર્શનના માધ્યમથી નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ, ઉપલબ્ધ લાભો અને વિકાસલક્ષી પહેલોની માહિતીને સરળ અને અસરકારક રીતે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મુલાકાતીઓએ પ્રદર્શનને જ્ઞાનવર્ધક અને ઉપયોગી ગણાવી સરકારના વિકાસ કાર્યો અંગે વધુ નજીકથી જાણવાની તક પ્રાપ્ત કરી હતી.

























