HomeAllપાવર કાપ અને ડીઝલ અછતથી મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં

પાવર કાપ અને ડીઝલ અછતથી મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં

મોરબીનો વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ હાલમાં ગંભીર પડકારોનો સામનો કરી રહ્યો છે. સતત વધી રહેલા વીજકાપ અને ડીઝલની ભારે અછતને કારણે ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ રહી છે, જેના કારણે ઉદ્યોગકારોમાં ભારે ચિંતા ફેલાઈ છે. સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ ઉદ્યોગકારોની વ્યથા વ્યક્ત કરતાં સરકાર અને PGVCL તંત્ર સમક્ષ તાત્કાલિક અસરથી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ ઉઠાવી છે.

મનોજભાઈ એરવાડિયાએ જણાવ્યું હતું કે ખાસ કરીને પીપળી રોડ અને માંડલ રોડ વિસ્તારના સિરામિક ઉદ્યોગો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. જેતપરની 220 KV લાઈનથી 66 KV માં આવતી રંગપર તરફની કેબલમાં બ્લાસ્ટ થતા છેલ્લા દિવસોમાં અનેક વખત લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. એક ઘટનામાં 12 કલાકથી વધુ સમય સુધી પાવર બંધ રહ્યો હતો, જ્યારે બીજી તરફ વારંવાર નાના ફોલ્ટના કારણે પણ સમગ્ર ફીડરો બંધ કરવાની નોબત આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગ સતત ચાલતી પ્રોડક્શન પ્રક્રિયા ધરાવે છે, જેમાં માત્ર એક મિનિટનો પાવર કાપ પણ હજારો રૂપિયાનું નુકસાન કરાવી શકે છે. છતાં દિવસ દરમિયાન અનેક વખત 1 થી 1.5 કલાક સુધી વીજકાપ રહે છે અને ક્યારેક તો 5 કલાક સુધી પાવર ઉપલબ્ધ રહેતો નથી. જેના કારણે ઉત્પાદન, મશીનરી અને મજૂરી વ્યવસ્થાપન ઉપર ગંભીર અસર પડી રહી છે.

મોરબીનો સિરામિક ઉદ્યોગ PGVCL ની કુલ આવકમાં 30 ટકા કરતાં વધુ હિસ્સો આપતો હોવા છતાં પૂરતી સુવિધાઓ ન મળતી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. સ્થાનિક કચેરીથી લઈને રાજકોટના અધિકારીઓ અને ગાંધીનગર સુધી અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ સ્થાયી ઉકેલ મળ્યો નથી. પ્રી-મોનસૂન મેન્ટેનન્સની કામગીરી સમયસર ન થવાને કારણે હાલ સ્થિતિ વધુ વિકટ બની હોવાનું તેમણે જણાવ્યું હતું.

બીજી તરફ છેલ્લા ચારથી પાંચ દિવસથી મોરબીમાં ડીઝલની ભારે અછત ઊભી થતા ઉદ્યોગોની મુશ્કેલી બમણી થઈ ગઈ છે. પાવર કાપ દરમિયાન જનરેટર ચલાવવા માટે ડીઝલ અનિવાર્ય હોવા છતાં બેરલમાં પૂરતો જથ્થો મળતો નથી. ઉપરાંત ફેક્ટરીઓમાં ઉપયોગમાં લેવાતા ફોર્કલિફ્ટ, લોડર અને ટ્રેક્ટર જેવા વાહનો પણ ડીઝલ વિના ઠપ્પ થઈ રહ્યા છે, જેના કારણે લોડિંગ-અનલોડિંગ અને ઉત્પાદન કામગીરી પ્રભાવિત થઈ રહી છે.

મનોજભાઈ એરવાડિયાએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અગાઉની પરિસ્થિતિઓને કારણે ઉદ્યોગો લગભગ દોઢ મહિના સુધી બંધ રહ્યા હતા. ભારે પ્રયત્નો બાદ મજૂરોને પાછા બોલાવી ઉદ્યોગો ફરી શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ હાલની પરિસ્થિતિ યથાવત રહેશે તો ફરી ઉદ્યોગો બંધ કરવાની ફરજ પડશે. જો આવું બનશે તો મજૂરો ફરી અન્યત્ર સ્થળાંતર કરી શકે છે અને સમગ્ર ઉદ્યોગ વ્યવસ્થા માટે ગંભીર સંકટ સર્જાઈ શકે છે.

અંતમાં સિરામિક એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે સિરામિક ઉદ્યોગને વિશેષ કેટેગરીમાં રાખી પૂરતો ડીઝલ જથ્થો ફાળવવામાં આવે તેમજ PGVCL દ્વારા તાત્કાલિક અસરથી યોગ્ય મેન્ટેનન્સ અને સ્થિર વીજ પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવે, જેથી હજારો લોકોની રોજગારી સુરક્ષિત રહી શકે અને મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાંથી બહાર આવી શકે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments