
મોરબી : મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મહિલા કમિશનર તેમજ ગુજરાતના પ્રથમ ગુજરાતી મહિલા મ્યુનિસિપલ કમિશનર તરીકે સંગીતા રૈયાણીએ આજે વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો.

ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે મોરબી શહેરના સર્વાંગી વિકાસ, સુવિધાસભર શહેરી વ્યવસ્થા અને નાગરિક સુખાકારી માટે સ્પષ્ટ દિશા રજૂ કરી હતી. મૂળ ગોંડલના વતની સંગીતા રૈયાણી વર્ષ 2020માં IAS તરીકે બઢતી પામ્યા હતા. મોરબી સાથે તેમનો પહેલેથી જ નજીકનો સંબંધ રહ્યો છે.

તેઓ મે-2017થી જાન્યુઆરી-2021 દરમિયાન મોરબી જિલ્લામાં જિલ્લા રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારબાદ અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં મહત્વપૂર્ણ વહીવટી જવાબદારીઓ સફળતાપૂર્વક સંભાળી હતી.

નવ નિયુક્ત કમિશનરે જણાવ્યું હતું કે, મોરબી વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ઝડપથી વિકસતું શહેર છે અને શહેરના વિકાસ માટે હજુ અનેક કામો કરવાની જરૂર છે. શહેરમાં સફાઈ, પીવાના પાણી, ગટર વ્યવસ્થા, રસ્તા અને અન્ય પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે આગામી સમયમાં ખાસ આયોજન કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેયર, સ્ટેન્ડિંગ કમિટી અને મહાનગરપાલિકાની નવી બોડી સાથે સુમેળપૂર્ણ કામગીરી કરીને મોરબીને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. ખાસ કરીને મોરબી મહાનગરપાલિકાના વિકાસને રાજકોટ મહાનગરપાલિકાની સમકક્ષ લઈ જવાનો મુખ્ય ધ્યેય રાખવામાં આવ્યો છે.

આગામી બે મહિના દરમિયાન શહેરમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. સાથે જ ચોમાસા પૂર્વેની પ્રી-મોન્સૂન અને પ્રી-ડિઝાસ્ટર કામગીરીને ઝડપી ગતિએ પૂર્ણ કરવા માટે તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરાશે. શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને સરકારી યોજનાઓ સફળ બને તે માટે કમિશનરે નાગરિકોને પણ સક્રિય સહયોગ આપવા અપીલ કરી હતી.























