
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ગત રોજ મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થા
(ITI) ની સૌજન્ય મુલાકાત સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિઓની સમીક્ષા કરવાની સાથે મહિલા સશક્તિકરણ અને સંસ્થાના ભૌતિક વિકાસ માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. મંત્રીએ સંસ્થાના પ્રિન્સિપલ શ્રીમતી માયાબેન પટેલ સાથેની ચર્ચામાં જણાવ્યું હતું કે, આગામી શૈક્ષણિક વર્ષથી મોરબી આઈ.ટી.આઈ. ખાતે મહિલાઓ માટે અત્યાધુનિક તાલીમ વર્ગો શરૂ કરવામાં આવશે.

જિલ્લાની વધુમાં વધુ મહિલાઓ આ કૌશલ્યવર્ધક તાલીમ મેળવી આત્મનિર્ભર બને તે માટે જરૂરી પ્રચાર-પ્રસાર કરવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું. તાલીમાર્થીઓની સુવિધામાં વધારો કરવા માટે સંસ્થાના કેમ્પસમાં ટૂંક સમયમાં 100 બેડની ક્ષમતાવાળી નવી અદ્યતન હોસ્ટેલ બિલ્ડીંગનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રવર્તમાન બિલ્ડીંગના રીનોવેશન માટે પણ જરૂરી ફંડ મંજૂર કરવામાં આવ્યું છે.

મંત્રીએ આ કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. મંત્રીએ દરેક ટ્રેડ, વર્કશોપ અને ક્લાસરૂમની રૂબરૂ મુલાકાત લઈ તાલીમાર્થીઓ સાથે હળવાશભર્યા વાતાવરણમાં સંવાદ કર્યો હતો. તેઓએ યુવાનોને ભવિષ્યની રોજગારીની તકો અને કૌશલ્ય વિકાસનું મહત્વ સમજાવી પ્રેરણા પૂરી પાડી હતી.

સંસ્થાના સ્ટાફ સાથે યોજાયેલી બેઠકમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, મોરબીના સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ યુવાનો સજ્જ બને તે આજના સમયની માંગ છે. આ મુલાકાત બદલ સંસ્થાના પ્રિન્સિપલ અને સ્ટાફ પરિવારે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લાના અગ્રણીઓ અને રોજગાર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

























