

રાજ્ય સરકારના ‘૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જનકલ્યાણના’ કાર્યક્રમોની શ્રેણી અંતર્ગત મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોને સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુથી શનાળા સ્થિત શક્તિ માતાના મંદિર પરિસરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આ અભિયાનમાં મોરબી જિલ્લાના પ્રભારી અને ઉચ્ચ તથા તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ ઉપસ્થિત રહી શ્રમદાન કર્યું હતું.

મંત્રીદ્વયે સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહભાગી બની નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહેવા અને ‘સ્વચ્છાગ્રહી’ બનવાનો સંદેશ આપ્યો હતો. તેમણે પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જનજાગૃતિ લાવવા, ‘મારો કચરો-મારી જવાબદારી’ની ભાવના વિકસાવવા તેમજ ‘સ્વચ્છ શહેર-સુંદર શહેર’ના સંકલ્પને સાકાર કરવા સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. આ દરમિયાન ‘પ્લાસ્ટિક છોડો, પર્યાવરણ બચાવો’ સહિતના વિવિધ લોકજાગૃતિના સંદેશાઓ પણ આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો દુર્લભજી દેથરીયા અને મેઘજી ચાવડા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નાયબ કમિશનર સંજય સોની સહિત સ્થાનિક કોર્પોરેટરો, મહાનગરપાલિકા અને વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

























