
મોબાઈલ એપ દ્વારા ઘરે બેઠા અથવા ગ્રામ પંચાયત/મામલતદાર કચેરી ખાતે કરાવી શકાશે ઓનલાઈન સત્યાપન

વાંકાનેર : સરકારશ્રીની નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) હેઠળ લાભ મેળવનાર વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ લાભાર્થીઓએ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પોતાની હયાતીની ખરાઈ કરાવવાની રહેશે. આ પ્રક્રિયા 30 મે સુધીમાં પૂર્ણ કરવી અનિવાર્ય છે.

આ વર્ષે હયાતીની ખરાઈ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન “Beneficiary Satyapan Application” દ્વારા કરવામાં આવશે. લાભાર્થીઓ પોતાના મોબાઈલ ફોનમાં પ્લે સ્ટોરમાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફેસ ઓથેન્ટિકેશન અથવા બાયોમેટ્રિક માધ્યમથી ઘરે બેઠા જ સરળતાથી સત્યાપન કરી શકશે.

ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ પોતાની ગ્રામ પંચાયત ખાતે TCM અથવા VCEનો સંપર્ક કરીને પણ હયાતીની ખરાઈ કરાવી શકશે. જ્યારે મામલતદાર કચેરી ખાતે રૂબરૂ સત્યાપન કરાવવા ઈચ્છુક લાભાર્થીઓએ કચેરીની સહાય શાખા, ગ્રાઉન્ડ ફ્લોર ખાતે હાજર રહેવું રહેશે. સાથે આધારકાર્ડ તથા OTP મેળવવા માટે પોતાનો મોબાઈલ ફોન લાવવો ફરજિયાત રહેશે.

તંત્ર દ્વારા તમામ લાભાર્થીઓને સમયમર્યાદામાં હયાતીની ખરાઈ પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી સહાયની રકમ નિયમિત રીતે મળતી રહે.
























