HomeAllવારંવાર દબાણ કરનાર આસામીઓની મિલકત સીલ કરવાની મહાનગરપાલિકાની ચેતવણી

વારંવાર દબાણ કરનાર આસામીઓની મિલકત સીલ કરવાની મહાનગરપાલિકાની ચેતવણી

મોરબી : શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા તેમજ જાહેર માર્ગોને દબાણમુક્ત બનાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા હવે વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા “વન વિક વન રોડ” ઝુંબેશ અંતર્ગત જુના બસસ્ટેન્ડ નજીક મચ્છીપીઠથી લઈને આસ્વાદ પાન સુધીના માર્ગ પર દબાણ હટાવવાની વિશેષ કામગીરી કરવામાં આવી હતી, જેમાં રસ્તા પરના ગેરકાયદેસર દબાણો દૂર કરીને માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં દબાણ કરનાર દુકાનદારોને ત્રણ દિવસ અગાઉ નોટિસ આપવામાં આવી હતી. જેના પગલે અંદાજે ૩૫ થી ૪૦ જેટલા વેપારીઓએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કર્યા હતા. ગત વર્ષે પણ કોર્પોરેશન દ્વારા આ જ વિસ્તારમાં પાકા ઓટલાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ડેપ્યુટી કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, જાહેર માર્ગો પર વારંવાર દબાણ કરનાર લોકોને હવે આઈડેન્ટિફાય કરીને નિયમ મુજબ નોટિસ આપવામાં આવશે. નોટિસ છતાં દબાણ દૂર ન કરનાર અથવા ફરીથી દબાણ કરનાર સામે મહાનગરપાલિકા દ્વારા તેમની દુકાનો અને મિલકતો સીલ કરવા સુધીની આકરી કાર્યવાહી કરવામાં આવશે.

મહાનગરપાલિકાની આ ઝુંબેશને પગલે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થાય તેમજ જાહેર માર્ગો દબાણમુક્ત બને તેવા પ્રયાસો વધુ તેજ બન્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments