
અત્યારે આપણે લગભગ બેધડક કહી શકીએ કે ભારતમાં સ્માર્ટફોન ધરાવતા બધા લોકો વોટ્સએપ પર સક્રિય હશે! સ્માર્ટફોન સસ્તા થવાને કારણે ઓછી આવક ધરાવતા લોકો પણ એ લેવા લાગ્યા છે અને બીજી તરફ મોટી ઉંમરના લોકો પણ ફોનમાં કમ સે કમ વોટ્સએપમાં એક્ટિવ થઈ ગયા છે.

પરંતુ આને કારણે થયું છે એવું કે આ બંને પ્રકારના લોકોને વોટ્સએપ (કે તેના જેવી બીજી કોઈ પણ વેબ સર્વિસ)નાં જમા-ઉધાર પાસાંની બહુ સમજ ન હોય અને એનો લાભ ઉઠાવે લેભાગુ લોકો.
વોટ્સએપના કિસ્સામાં આવું વારંવાર બને છે અને હવે કંપની પોતે ગૂંચવણ વધારી રહી છે!

આપણા દેશમાં વોટ્સએપ એપની લોકપ્રિયતાની હજી શરૂઆત થઈ હતી એ સમયે છેતરપિંડી કરનારા લોકો વોટ્સએપ વિશે લોકોમાં જાગેલી જિજ્ઞાસા અને અધકચરી જાણકારી એ બંનેનો લાભ લેવા મેદાને પડ્યા હતા.

એ સમયે ઓફિશિયલ વોટ્સએપમાં મળતી સુવિધાઓ કરતાં ‘વધુ સુવિધાઓ’ જોઇતી હોય તો ‘વોટ્સએપ ગોલ્ડ’, ‘વોટ્સએપ સિલ્વર’ કે ‘વોટ્સએપ પિંક’ જેવી વોટ્સએપની ‘સ્પેશિયલ’ એપ ડાઉનલોડ કરવા લોકોને લલચાવવામાં આવતા હતા.

ત્યારે કહેવામાં આવતું કે સાદી વોટ્સએપ એપ કરતાં આવી ગોલ્ડ કે સિલ્વર એપમાં વીડિયો કોલિંગ, વધારાની સલામતી કે વધુ ઇમોજિસ જેવી ખાસ સવલતો મળી શકે છે. હકીકતમાં આ તદ્દન બનાવટ હતી.

વોટ્સએપ એપ ફક્ત એક જ ઓફિશિયલ, સ્ટાન્ડર્ડ એપ તરીકે ઉપલબ્ધ હતી. તેના કોઈ ગોલ્ડ, સિલ્વર, પિંક કે અન્ય વર્ઝન હતાં નહીં. લોકો આવી સ્પેશિયલ એપ ઇન્સ્ટોલ કરવા ભરમાઈ જાય તો તેમની સંવેદનશીલ માહિતી જોખમાઈ જાય.
એ પછી તો લોકોમાં પ્રમાણમાં ઠીક ઠીક સજાગતા આવી. આપણે સૌ એક જ ઓફિશિયલ વોટ્સએપ એપનો ઉપયોગ કરવા લાગ્યા. તેમ છતાં વોટ્સએપની પ્રચંડ લોકપ્રિયતા ધ્યાને રાખીને તેના પર અથવા તેના નામે લોકોને છેતરવાનો ધંધો પૂરજોશમાં ચાલુ રહ્યો છે.

કંપનીએ પોતે જ ‘સ્પેશિયલ’ એપ આપી
વોટ્સએપની માલિક મેટા કંપનીએ પોતે વોટ્સએપનું ખરેખર એક સ્પેશિયલ વર્ઝન આવી રહ્યું હોવાની જાહેરાત કરી છે. વોટ્સએપનું આ પેઇડ વર્ઝન રહેશે અને તેને નામ આપવામાં આવ્યું છે ‘વોટ્સએપ પ્લસ’. એ માટે નવી કોઈ એપ ડાઉનલોડ કરવાની નથી, હાલની વોટ્સએપમાંથી જ રૂપિયા ભરવાના થશે.

એ ખાસ ધ્યાને રાખવા જેવું છે કે તમને હાલની વોટ્સએપ એપના ઉપયોગથી સંતોષ હોય તો આ પ્રીમિયમ પેઇડ વર્ઝન માટે રૂપિયા ભરવાની જવાની કોઈ જરૂર નથી. તેમાં મોટા ભાગે ફક્ત વોટ્સએપ એપનો દેખાવ બદલી શકવાની સુવિધા મળશે. જો તમે વોટ્સએપ પ્લસનું મહિને અંદાજે રૂ.૩૦૦ જેટલું સબસ્ક્રિપ્શન ભરો તો કેટલાંક વધારાનાં પ્રીમિયમ ફીચર્સ મળે છે. જેમ કે…
સ્પેશિયલ ઇફેક્ટ્સ સાથેનાં પ્રીમિયમ સ્ટીકર્સ મોકલી શકાય.

વોટ્સએપનો દેખાવ બદલવા ખાસ થીમ્સ અને આઇકન્સનો ઉપયોગ કરી શકાય.
વોટ્સએપમાં તમારા સૌથી મહત્ત્વના કોન્ટેક્ટ્સ માટે અલગ અલગ રિંગટોન સેટ કરી શકાય.
હા, ‘પ્લસ’માં એક સુવિધા ખરેખ ઉપયોગી થઈ શકે – આપણે માટે મહત્ત્વના મેસેજને હાલમાં પિન કરી શકાય છે, જેથી તે ચેટ પેજ પર મથાળે ટકી રહે. સાદા વોટ્સએપમાં આ પ્રકારે વધુમાં વધુ ૩ મેસેજ પિન કરી શકાય છે, જ્યારે વોટ્સએપ પ્લસમાં વધુમાં વધુ ૨૦ ચેટ પિન કરી શકાશે.
આ સૌથી મોટો ફાયદો છે!

તમે જોશો તેમ આપણી હાલની વોટ્સએપ એપ અને પેઇડ પ્રીમિયમ વોટ્સએપ પ્લસ વચ્ચે ખાસ મોટો કોઈ તફાવત નથી. એ પણ યાદ રાખવા જેવું છે કે તમે વોટ્સએપ પ્લસનું સબસ્ક્રિપ્શન ભરો તો તેને કેન્સલ ન કરો ત્યાં સુધી તે આપોઆપ રિન્યૂ થતું જશે!

હજી આપણે સૌ સ્માર્ટફોનના સ્માર્ટ યૂઝર બનવાની મથામણ કરી રહ્યા છીએ ત્યાં સ્માર્ટફોનનો ગેરલાભ લેનારા લોકો એટલા સ્માર્ટ બની ગયા છે કે એ ગૂગલ જેવી મહાકાય અને સ્માર્ટ ટેક્નોલોજીની જન્મદાતા જેવી કંપનીને પણ ઊંઠાં ભણાવી શકે છે!

તમારી પાસે સ્માર્ટફોન હોય તો તમે વોટ્સએપનો ઉપયોગ કરતા જ હશો, એટલે આગળની વાત ધ્યાનપૂર્વક વાંચજો!
થોડા સમય પહેલાં ગૂગલના ધ્યાનમાં આવ્યું કે તેના પ્લે સ્ટોરમાં અત્યંત લોકપ્રિય વોટ્સએપના નામે એક ફેક – બિલકુલ બનાવટી – એપ ઘૂસી ગઈ છે. ગૂગલે એ એપને પ્લે સ્ટોરમાંથી દૂર કરી અને તેના ડેવલપર પર વધુ કોઈ એપ રજૂ કરવા સામે પ્રતિબંધ મૂકી દીધો, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આ બનાવટી એપ દસ લાખથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા હતા!

બનાવટ કઈ રીતે કરવામાં આવી?
બાજુના સ્ક્રીનશોટ જોશો તેમ, આ એપ પહેલી નજરે, કોઈ રીતે બનાવટી લાવે તેવી નહોતી. બધે વોટ્સએપનો, સૌનો જાણીતો લોગો પણ હતો. એપને બીજા યૂઝર્સ તરફથી ચાર સ્ટાર મળેલા હતા અને સંખ્યાબંધ લોકોએ તેનાં વખાણ કરતા રીવ્યૂ પણ લખ્યા હતા. એપનું નામ હતું – ‘અપડેટ વોટ્સએપ મેસેન્જર’. તેના ડેવલપર તરીકે વોટ્સએપનું જ નામ હતું.

એપના આ નામમાં ગરબડ હતી, જેના તરફ, ઇન્ટરનેટનો પૂરતો અનુભવ ન ધરાવતા લોકોનું ધ્યાન જાય એવી શક્યતા નહોતી.

આપણે પોતાના ફોનમાં વોટ્સએપ જેવી કોઈ પણ એપ ઇન્સ્ટોલ કર્યા પછી, એપના ડેવલપરે તેમાં કોઈ નવી સુવિધાઓ ઉમેરી હોય તો તેનો લાભ લેવા માટે આપણે એ એપના નવા વર્ઝનથી પોતાના ફોનમાંની એપને અપડેટ કરવી પડે.














