અવનવી ડિઝાઇન અને આકર્ષક સ્વરૂપની ગણેશજીની મૂર્તિઓ ભક્તોનું આકર્ષણ બની

મોરબી : ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોરબી શહેરમાં ગણેશોત્સવની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની સ્થાપના માટે મંડપ અને શણગારની તૈયારીઓ ચાલી રહી છે, જ્યારે ગણેશજીની મૂર્તિઓની ખરીદી માટે પણ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



મોરબીના બજારોમાં હાલ વિવિધ આકાર, ડિઝાઇન અને સ્વરૂપમાં ગણેશજીની મૂર્તિઓ જોવા મળી રહી છે. ખાસ કરીને માટી તથા પર્યાવરણને અનુકૂળ સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. પરંપરાગત સ્વરૂપની સાથે સાથે અવનવી થીમ અને કલાત્મક ડિઝાઇન ધરાવતી મૂર્તિઓ પણ બજારમાં ઉપલબ્ધ બની છે.

ગણેશજીની મૂર્તિઓના વિવિધ કદ અને ડિઝાઇન હોવાથી ઘરેલુ સ્થાપના તેમજ જાહેર ગણેશ મંડળો દ્વારા પણ પોતાની પસંદગી મુજબની મૂર્તિઓ પસંદ કરવામાં આવી રહી છે. મૂર્તિકારો દ્વારા ગણેશજીની મૂર્તિઓને આકર્ષક રંગો અને કલાત્મક કારીગરીથી તૈયાર કરવામાં આવી રહી છે.

ગણેશ ઉત્સવ દરમિયાન પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ તરફ લોકોનો વધતો ઝોક જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ગણેશજીની મૂર્તિઓની ખરીદીમાં વધુ તેજી આવવાની સાથે શહેરમાં ગણેશોત્સવનો માહોલ વધુ રંગીન બનશે.






















