HomeAllવિજ્ઞાન જાથા દ્વારા ન્યુ પરિમલ સ્કૂલથી રેલી યોજી કે.કે.વી. હોલ પાસે ધરણા...

વિજ્ઞાન જાથા દ્વારા ન્યુ પરિમલ સ્કૂલથી રેલી યોજી કે.કે.વી. હોલ પાસે ધરણા કરવામાં આવશે

વિજ્ઞાન સામેના પ્રહારો અને અવૈજ્ઞાનિક વિચારોના પ્રચાર સામે વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપવાની માંગ

રાજકોટ : ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬: દુનિયાભરમાં અને ભારતમાં વર્ષ ૨૦૧૭થી દર વર્ષે આંતરરાષ્ટ્રીય ‘માર્ચ ફોર સાયન્સ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેના ભાગરૂપે ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરી દ્વારા રાજકોટમાં શનિવારે તા. ૧૨ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ‘માર્ચ ફોર સાયન્સ – ૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. ન્યુ પરિમલ સ્કૂલથી વિજ્ઞાન રેલી નીકળશે અને કે.કે.વી. હોલ પુલની નીચે બંને બાજુ વિજ્ઞાન સૂત્રો સાથે ધરણા યોજાશે.

આ કાર્યક્રમમાં જનસમાજ, વિજ્ઞાનપ્રેમી મિત્રો, જાગૃત નાગરિકો, શિક્ષકો તેમજ ન્યુ પરિમલ સ્કૂલના છાત્ર-છાત્રાઓ જોડાશે. જાગૃત નાગરિકો અને વિદ્યાર્થીઓ વિજ્ઞાન આધારિત પોસ્ટરો સાથે રેલીમાં ભાગ લઈ વિવિધ સૂત્રોચ્ચાર દ્વારા પોતાની અભિવ્યક્તિ રજૂ કરશે. વિજ્ઞાનને લોકભોગ્ય બનાવવા, વૈજ્ઞાનિક અભિગમ અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને સમાજનું ધ્યાન વૈજ્ઞાનિક વિચારધારા તરફ કેન્દ્રિત કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જાથાના રાજ્ય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું કે, ‘માર્ચ ફોર સાયન્સ’ એક વૈશ્વિક ચળવળ છે, જે સમાજમાં વિજ્ઞાનના મહત્વની હિમાયત કરે છે. આ ચળવળનો મુખ્ય ઉદ્દેશ વિજ્ઞાનની ઉજવણી, વૈજ્ઞાનિક વલણને પ્રોત્સાહન તથા અવૈજ્ઞાનિક માન્યતાઓ અને વિચારોના પ્રચારનો પ્રતિકાર કરવાનો છે. વિજ્ઞાનના મૂળભૂત સંશોધનો માટે પૂરતું ભંડોળ ફાળવવામાં આવે, વિજ્ઞાનનો ઉપયોગ પર્યાવરણની જાળવણી માટે થાય અને દરેક દેશની સરકારો વિજ્ઞાન આધારિત નીતિઓ ઘડે તેવી માંગણી સાથે આ ચળવળ આગળ વધી રહી છે. ભારતમાં આ ચળવળની આગેવાની ભારતીય ખગોળ-ભૌતિક વૈજ્ઞાનિક પ્રોફે. જયંત નારલીકરે લીધી હતી.

જયંત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, વનનો નાશ અટકાવવો અને જંગલની જમીનો કોર્પોરેટ ક્ષેત્રને સોંપીને વિકાસના નામે વેપારને પ્રોત્સાહન આપવાની નીતિ સામે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવાની જરૂર છે. પર્યાવરણના રક્ષણ માટે વૈજ્ઞાનિકો, જાગૃત નાગરિકો અને પર્યાવરણપ્રેમીઓએ જાહેર રસ્તા ઉપર આવીને પોતાની વાતને લોકો સુધી પહોંચાડવી જરૂરી બની છે.

પૃથ્વીના તાપમાનમાં થઈ રહેલા ફેરફારોના પરિણામે વારંવાર વરસાદી પૂર અને દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ રહી છે, ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે, બરફની ચાદર ઓગળી રહી છે અને દરિયાની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. સમગ્ર પર્યાવરણમાં અસંતુલન સર્જાઈ રહ્યું છે, જેના કારણે અનેક પશુ, પક્ષી અને વનસ્પતિ પ્રજાતિઓ અસ્તિત્વ ગુમાવવાના આરે છે. સરકાર માનવજાતના હિતને કેન્દ્રમાં રાખીને વિકાસના સૂત્રનું પુનઃચિંતન કરે અને પર્યાવરણના સંરક્ષણને પ્રાથમિકતા આપે તેવી માંગણી કરવામાં આવી છે.

જયંત પંડયાએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આપણા દેશમાં વૈજ્ઞાનિક ચિંતન ઉપર પ્રહારો વધી રહ્યા છે અને વિવિધ પ્રકારની ભ્રમણાઓ તથા અવૈજ્ઞાનિક વિચારોનો પ્રચાર પૂરજોશમાં થઈ રહ્યો છે. આવા પ્રવાહોને અટકાવવાની જરૂર છે. તેમના જણાવ્યા મુજબ સરકારે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત, પિરિયોડિક ટેબલ, માનવ અધિકાર અને લોકશાહીને લગતા કેટલાક પાઠ પાઠ્યક્રમમાંથી હટાવ્યા છે. વ્યાપક વિરોધ છતાં આ મુદ્દે યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નથી. પાઠ્યપુસ્તકોમાંથી આવા વિષયો દૂર થવાથી વિદ્યાર્થીઓના તાર્કિક, વૈજ્ઞાનિક અને લોકતાંત્રિક વિકાસમાં અવરોધ ઊભો થવાની શક્યતા છે.

વિજ્ઞાનના સંશોધન માટેનું ભંડોળ વધારવાની પણ માંગણી કરવામાં આવી છે. જાથાના જણાવ્યા મુજબ શિક્ષણ અને સંશોધન પાછળ દેશમાં ખૂબ ઓછું ભંડોળ ફાળવવામાં આવે છે અને તેમાં દર વર્ષે ઘટાડો થઈ રહ્યો છે. ખાસ કરીને વિજ્ઞાન ક્ષેત્ર માટેનું ભંડોળ ખૂબ જ ઓછું થઈ ગયું છે. શૈક્ષણિક સંસ્થાઓને જરૂરી ખર્ચ વિદ્યાર્થીઓની ફીમાંથી વસૂલવાનો આદેશ આપવામાં આવતા કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી મનસ્વી ફી વસૂલવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિણામે ભણતર મોંઘું અને મુશ્કેલ બની રહ્યું છે.

કે.કે.વી. હોલ પાસે યોજાનારા ધરણામાં સંશોધન અને વિકાસ, શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ તથા વૈજ્ઞાનિક અભિગમનો વ્યાપ વધારવા સહિતની વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવશે. દેશમાં વૈજ્ઞાનિક સમુદાય મજબૂત બને તેવા પ્રયાસો સાથે માર્ચ ફોર સાયન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

માર્ચ ફોર સાયન્સ અંતર્ગત વિજ્ઞાન અભિગમ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવો, વૈજ્ઞાનિક મિજાજને પ્રોત્સાહન આપવું, અંધશ્રદ્ધાને દેશવટો આપવો તેમજ ચમત્કાર, વ્હેમ અને અતાર્કિક વિચારોને તિલાંજલિ આપવાનો સંદેશ આપવામાં આવશે. માનવજાત સુખી, સંપન્ન અને સમૃદ્ધ બને તેવો લોકઆશય આ સમગ્ર કાર્યક્રમ પાછળ રહેલો છે.

આ કાર્યક્રમમાં ન્યુ પરિમલ સ્કૂલના સંચાલક ચંદ્રકાંતભાઈ મંડીર, ટ્રસ્ટી બ્રિજેશભાઈ મંડીર, આચાર્યા અલ્પાબેન જોશી, શાળાનો શૈક્ષણિક સ્ટાફ તેમજ છાત્ર-છાત્રાઓ જોડાવાના છે.

જાથાના દિનેશભાઈ હુંબલ, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, નિર્મળ મેત્રા, નિર્ભય જોશી, રાજુભાઈ યાદવ, રમેશ પરમાર, અમીયલભાઈ બાદી, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, હર્ષાબેન પંડયા, ભક્તિબેન રાજગોર, ભાનુબેન શેઠીયા સહિતના કાર્યકરો રેલી અને ધરણા કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

માર્ચ ફોર સાયન્સના આ જાગૃતતા કાર્યક્રમમાં જોડાવા ઇચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જાથા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments