સુવર્ણપ્રાશન, અગ્નિકર્મ ચિકિત્સા સહિત વિવિધ આયુર્વેદિક સેવાઓનો નાગરિકોને લાભ મળશે

મોરબી: ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬: નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સૂચના અન્વયે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, મોરબી દ્વારા ૧૧મા ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ઉજવણી અંતર્ગત તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય, ખાનપર, તા. મોરબી ખાતે નિઃશુલ્ક આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કેમ્પમાં નાગરિકોને વિવિધ રોગોનું નિઃશુલ્ક નિદાન અને સારવાર ઉપરાંત આયુર્વેદિક જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ૦ થી ૫ વર્ષના બાળકો માટે સુવર્ણપ્રાશન આપવામાં આવશે. હરસ, મસા અને ભગંદર જેવા રોગો માટે અસરકારક આયુર્વેદિક સારવાર અંગે માર્ગદર્શન તથા સારવાર ઉપલબ્ધ રહેશે. તેમજ સાંધાના દુઃખાવાથી પીડાતા દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સાની સેવા પણ આપવામાં આવશે.

આ ઉપરાંત ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ માટે ડ્રાય ઉકાળા, સંશમની વટી તથા આર્સેનિક આલ્બમનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, મોરબી દ્વારા નાગરિકોને આ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.






















