
મોરબી: પરાબજાર મેઇન રોડ પર ત્રિકોણ બાગ પાસે મોહિતભાઈ ભરતભાઈ રાવલ (કાર્તિક) અને તેમના પરિવાર દ્વારા વર્ષ 2006થી સતત ઘર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ પરિવાર દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ગણેશજીની સ્થાપના કરી ઉત્સવની પરંપરા જાળવી રાખવામાં આવી છે. સતત 20 વર્ષ પૂર્ણ કરીને આ ઘર ગણેશ ઉત્સવ 21મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે.

વર્ષ 2006માં મોરબીમાં ગણેશ ઉત્સવના આયોજનો ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં થતા હતા. તે સમયે રાવલ પરિવાર દ્વારા પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી ઘર ગણેશ ઉત્સવની પરંપરાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહ સાથે ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. કોરોના જેવી વિકટ પરિસ્થિતિ દરમિયાન પણ આ પરંપરા જાળવી રાખવામાં આવી હતી.

હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે દુંદાળા દેવ ગણપતિજીના આગમન સાથે રાવલ પરિવારના નિવાસસ્થાને ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. વિઘ્નહર્તા, સુખકર્તા અને દુઃખહર્તા ગણપતિજીના પૂજન-અર્ચન સાથે પરિવારજનો દ્વારા સૌના સુખ, સ્વાસ્થ્ય, કલ્યાણ અને વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

ગણેશોત્સવ મૂળ મહારાષ્ટ્રની આગવી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા તરીકે ઓળખાય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં પણ ગણેશ મહોત્સવ ભક્તિ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. ગણપતિજીના આશીર્વાદથી સૌના સકલ મનોરથ પૂર્ણ થાય અને સમાજમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી ભાવના સાથે રાવલ પરિવાર દ્વારા ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

ગણેશજીના સ્વરૂપમાંથી જીવન માટે અનેક પ્રેરણાઓ મળે છે. તેમની ઝીણી આંખો એકાગ્રતા અને સૂક્ષ્મ દૃષ્ટિનું પ્રતીક છે, જ્યારે મોટા કાન દરેકની વાત ધ્યાનપૂર્વક સાંભળવાનો સંદેશ આપે છે. વિશાળ પેટ સહનશીલતા અને વાતોને પોતાના સુધી રાખવાની ભાવના દર્શાવે છે, જ્યારે ચાર ભુજાઓ સેવા, સહાય અને કલ્યાણ માટે હંમેશા તત્પર રહેવાની પ્રેરણા આપે છે.

મોરબીમાં બે દાયકાથી ચાલી રહેલી આ ઘર ગણેશ ઉત્સવની પરંપરા માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતીક જ નહીં, પરંતુ પરિવારની અતૂટ આસ્થા અને ગણપતિજી પ્રત્યેની ભક્તિની પણ ઓળખ બની છે.

ગણેશ ઉત્સવ અંગે વધુ માહિતી અથવા કોઈ પ્રશ્ન માટે મોહિતભાઈ રાવલ (કાર્તિક)નો મો. નં. 7990215099 પર સંપર્ક કરી શકાય છે.



















