HomeAllમોરબી ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી...

મોરબી ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધા યોજાઈ

રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જિલ્લા વહીવટી તંત્રના આયોજનને બિરદાવ્યું

મોરબી, ૦૩ ઓક્ટોબર, ૨૦૨૬: ‘સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬-૨૭’ અંતર્ગત ‘શિક્ષિત બનો, આગળ વધો, સશક્ત બનો’ના વિચાર સાથે મોરબી જિલ્લાના ધરમપુર સ્થિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને વક્તૃત્વ કૌશલ્યને પ્રોત્સાહન આપવાનો હતો.

ત્રણેય સ્પર્ધાઓમાં મોરબી જિલ્લાના અંદાજિત ૩૦૦ જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતા વિદ્યાર્થીઓને રાજ્યમંત્રી રિવાબા જાડેજા તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ અને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ સફળ આયોજન બદલ મોરબી જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ ક્ષેત્રે વિવિધ પહેલો દ્વારા ગુજરાત ‘વિકસિત ભારત’ના નિર્માણમાં યોગદાન આપી રહ્યું છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર અક્ષરજ્ઞાન પૂરતું મર્યાદિત નથી, પરંતુ સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજાવે તથા જીવનમૂલ્યો અને કૌશલ્યોનો વિકાસ કરે તે સાચું શિક્ષણ છે. નવી શિક્ષણ નીતિ દ્વારા બાળકોમાં કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાના વિકાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓને પોતાની આંતરિક પ્રતિભા અને સુષુપ્ત શક્તિઓને ઓળખવા તેમજ રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા માટે પ્રેરણા આપે છે.

કાર્યક્રમમાં મોરબીના મેયર ઉત્તમ સુરાણી, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ ઘરચર, શિક્ષણ સમિતિના ચેરમેન રિંકલબેન અઘેરા, કારોબારી સમિતિના ચેરમેન મનીષભાઈ કાંજીયા, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ, અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષકો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments