HomeAllટીંબડી પ્રાથમિક શાળાની રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ લીધી આકસ્મિક મુલાકાત

ટીંબડી પ્રાથમિક શાળાની રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ લીધી આકસ્મિક મુલાકાત

માહિતી મોરબી: ૦૩ ઓક્ટોબર, ૨૦૨૬: મોરબી જિલ્લાની મુલાકાતે આવેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ મોરબી તાલુકાના ટીંબડી ગામની પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લઈ શાળાની શૈક્ષણિક કામગીરી તથા ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.

મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ વિવિધ વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ કર્યો હતો અને તેમની શૈક્ષણિક પ્રગતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે શાળામાં કાર્યરત સ્માર્ટ ક્લાસ તથા કમ્પ્યુટર લેબની પણ મુલાકાત લઈ વિદ્યાર્થીઓને ટેકનોલોજી આધારિત શિક્ષણ મળી રહ્યું છે કે નહીં તેની સમીક્ષા કરી હતી.

આ ઉપરાંત મધ્યાહન ભોજન માટેના રસોડાની મુલાકાત લઈ સ્વચ્છતા, વ્યવસ્થા અને વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અંગે પણ પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. શાળાના મેદાનનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

શાળામાં નવા બની રહેલા વર્ગખંડોની નિર્માણ કામગીરીનું નિરીક્ષણ કરી રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ બાંધકામ કાર્ય સમયસર પૂર્ણ થાય તેમજ કામમાં ગુણવત્તાના ધોરણો જળવાઈ રહે તે અંગે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.

આ પ્રસંગે રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ શાળાના વડા અને શિક્ષકો સાથે સંવાદ કરી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ, ટેકનોલોજી આધારિત શૈક્ષણિક વાતાવરણ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂક્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments