
અમદાવાદ: ગુજરાત ભાડા વિધેયક-2026ને લઈને રાજ્યભરના વકીલોનો વિરોધ હવે વધુ વ્યાપક અને આક્રમક બન્યો છે. અગાઉ અમદાવાદ સહિત વિવિધ શહેરોના સ્થાનિક વકીલ મંડળો દ્વારા કોર્ટ કામગીરીથી અળગા રહીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હવે આ વિરોધ પ્રદર્શનને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા પણ સંપૂર્ણ સમર્થન આપી દેવામાં આવ્યું છે, જેના કારણે આ આંદોલન હવે સમગ્ર રાજ્યમાં વ્યાપક સ્તરે વિસ્તરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

વકીલોને સ્વૈચ્છિક રીતે કોર્ટ કામગીરીથી અળગા રહેવા માટે અપીલ: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મહત્વની બોર્ડ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, આગામી 5 ઓક્ટોબરથી ગુજરાતની તમામ અદાલતોમાં વકીલોને સ્વૈચ્છિક રીતે કોર્ટ કામગીરીથી અળગા રહેવા માટે અપીલ અને ઠરાવ કરવામાં આવ્યો છે. વિધેયકના વિવાદિત મુદ્દાઓનું સંતોષકારક નિરાકરણ ન આવે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન યથાવત રાખવાનો દ્રઢ નિર્ણય વકીલ આલમ દ્વારા લેવામાં આવ્યો છે.

સામાન્ય પક્ષકારો અને વકીલો બંનેના ન્યાયિક હિતો પર વિપરીત અસર: વકીલ સંગઠનો દ્વારા મુખ્યત્વે ભાડા સંબંધિત વિવાદોના નિકાલની સત્તા અને પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. વકીલોનો દાવો છે કે આ નવા વિધેયકની જોગવાઈઓ હેઠળ ભાડા સંબંધિત બાબતોમાં પરંપરાગત ન્યાયિક સત્તાઓના સ્થાને વહીવટી તંત્રની ભૂમિકા અને હસ્તક્ષેપ વધી રહ્યો છે. આ નવી વ્યવસ્થાને કારણે સામાન્ય પક્ષકારો અને વકીલો બંનેના ન્યાયિક હિતો પર વિપરીત અસર પડી શકે છે.વકીલ મંડળોએ આ વિધેયકના વિરોધમાં કામગીરીનો બહિષ્કાર કર્યો

અગાઉ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ તેમજ અન્ય નીચલી અદાલતો સાથે સંકળાયેલા વકીલ મંડળોએ આ વિધેયકના વિરોધમાં કામગીરીનો બહિષ્કાર કર્યો હતો. રાજ્યના અન્ય અગ્રણી શહેરોમાં પણ વકીલ મંડળો દ્વારા પ્રતીક વિરોધ અને કોર્ટ બહિષ્કારના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. હવે બાર કાઉન્સિલના સીધા હસ્તક્ષેપ અને આહ્વાન બાદ આ વિરોધ આંદોલને રાજ્યવ્યાપી સ્વરૂપ ધારણ કરી લીધું છે.ટૂંક સમયમાં મુખ્યમંત્રી અને કાયદા મંત્રી સાથે મુલાકાત માટે સમય મંગાશે

વિધેયક અંગેના વાંધાઓ અને જરૂરી સુધારાઓ અંગે રજૂઆત કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું એક પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં મુખ્યમંત્રી અને કાયદા મંત્રી સાથે મુલાકાત માટે સમય માંગશે. વકીલ મંડળોની માગણી છે કે વકીલો અને પક્ષકારોના હિતમાં જરૂરી સુધારા કરવામાં આવે તેમજ ઉઠાવાયેલા તમામ પ્રશ્નોનું યોગ્ય અને સંતોષકારક નિરાકરણ લાવવામાં આવે.





















