HomeAllGSTમાં ફેરફારના એંધાણ! ટેક્સ અધિકારીઓની ધરપકડ કરવાની સત્તા છીનવાશે? 07 ઓક્ટોબરે મોટો...

GSTમાં ફેરફારના એંધાણ! ટેક્સ અધિકારીઓની ધરપકડ કરવાની સત્તા છીનવાશે? 07 ઓક્ટોબરે મોટો નિર્ણય

લાગુ: થયાના લગભગ 9 વર્ષ બાદ ટેક્સ સિસ્ટમમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. કેન્દ્ર સરકાર GST અધિકારીઓને આપવામાં આવેલી સીધી ધરપકડ કરવાની સત્તાને સમાપ્ત કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. આ પ્રસ્તાવ પર આગામી 7 ઓક્ટોબરે મળનારી GST કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થઈ શકે છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે, તો GST સાથે જોડાયેલા મામલાઓમાં ટેક્સ અધિકારીઓ પાસે સીધી ધરપકડ કરવાની હાલની સત્તા ખતમ થઈ જશે. આ માટે GST કાયદામાં સંશોધન કરવું પડશે, જેને સરકાર આગામી શિયાળુ સત્રમાં સંસદમાં રજૂ કરી શકે છે. હાલમાં GST અધિકારીઓ પાસે શું અધિકારો છે?

વર્તમાન GST કાયદાના નિયમો મુજબ, ગંભીર ટેક્સ અપરાધોના કેસોમાં ધરપકડ કરવાની જોગવાઈ છે. ખાસ કરીને નકલી બિલ બનાવવા, ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) લેવી અને જાણી જોઈને ટેક્સ ચોરી કરવા જેવા મામલાઓમાં કાર્યવાહી કરવામાં આવે છે. CGST એક્ટની કલમ 69 હેઠળ કમિશનરને ધરપકડની મંજૂરી આપવાનો અધિકાર છે. આ માટે અધિકારી પાસે પૂરતા પુરાવા હોવા જરૂરી છે કે વ્યક્તિએ ગંભીર GST અપરાધ કર્યો છે. અગાઉ 2022માં સરકારે ધરપકડ અને જામીનને લઈને માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી, જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે માત્ર કાયદામાં સત્તા છે એટલે જ ધરપકડ ન કરવી જોઈએ, પરંતુ કેસની ગંભીરતા અને વ્યક્તિની ભૂમિકા ચકાસવી જરૂરી છે.

બદલાવ પાછળનું કારણ અને 4 વર્ષના આંકડા : આ સંભવિત ફેરફાર પાછળનું સૌથી મોટું કારણ ટેક્સ અધિકારીઓના અધિકારોના દુરુપયોગની ફરિયાદો હોવાનું માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે છેલ્લા 8-9 મહિનાથી આ મુદ્દે મંથન ચાલી રહ્યું છે. ઉદ્યોગ જગત અને કંપનીઓ દ્વારા GST તપાસ અને અધિકારીઓની ધરપકડની સત્તાને લઈને સતત ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી, ખાસ કરીને કંપનીના વરિષ્ઠ અધિકારીઓની ધરપકડ સામે સવાલો ઉઠતા રહ્યા છે. સરકાર હવે એવી સિસ્ટમ ઈચ્છે છે કે ગંભીર છેતરપિંડી પર કડક કાર્યવાહી ચાલુ રહે પરંતુ વ્યાપારીઓને ડરના માહોલનો સામનો ન કરવો પડે. સરકારી આંકડાઓ મુજબ, વર્ષ 2021-22થી 2024-25 વચ્ચે GST અપરાધના 72,393 કેસ નોંધાયા છે, જેમાં કેન્દ્રીય GST અધિકારીઓ દ્વારા 887 લોકોની ધરપકડ કરવામાં આવી છે (આ આંકડામાં રાજ્યના GST અધિકારીઓની ધરપકડ સામેલ નથી).

ફ્રોડ કરનારાઓ સામે કઈ રીતે થશે કાર્યવાહી? : પ્રસ્તાવિત ફેરફાર મુજબ, ગંભીર કૌભાંડો અને જાણી જોઈને આચરવામાં આવેલા ગુનાઓ પર કડક પગલાં લેવાનું ચાલુ રહેશે. જો કે, ફરક માત્ર એટલો હશે કે GST અધિકારીઓ પોતે સીધી ધરપકડની સત્તાનો ઉપયોગ નહીં કરે. આવા મામલાઓમાં ફોજદારી કાયદા કે ભારતીય ન્યાય સંહિતા હેઠળ કાનૂની કાર્યવાહીનો રસ્તો અપનાવવામાં આવી શકે છે. હાલમાં આ માત્ર એક પ્રસ્તાવ છે અને 7 ઓક્ટોબરની GST કાઉન્સિલની બેઠક તેમજ સંસદીય પ્રક્રિયા બાદ જ આ અંગેનો આખરી નિર્ણય સ્પષ્ટ થશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments