
મોરબી, 3 ઓક્ટોબર 2026: રક્તદાન અંગે જનજાગૃતિ ફેલાવવા, રક્તની અછત દૂર કરવા તેમજ માર્ગ સુરક્ષા, ટ્રાફિક શિસ્ત અને થેલેસેમિયા-સિકલ સેલ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આયોજિત રક્તસેવક બાઈક રાઈડ રેલીનું મોરબીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


રક્તદાન માટે જનજાગૃતિ ફેલાવવાના સંકલ્પ સાથે ડો. મનીષકુમાર વિડજા, રાજેન્દ્રભાઈ વાઘેલા અને 122 વખત રક્તદાન કરી ચૂકેલા ધર્મેન્દ્રભાઈ પટેલ સાબરમતી આશ્રમથી 1 ઓક્ટોબરના રોજ બાઈક રાઈડ પર નીકળ્યા હતા. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરીને રક્તદાનનો સંદેશ લોકો સુધી પહોંચાડતી આ રેલી 2 ઓક્ટોબરના રોજ મોરબી પહોંચી હતી.

મોરબી ખાતે સમર્પણ હોસ્પિટલથી બાઈક રાઈડનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી અને રક્તદાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવતો સંદેશ આપવામાં આવ્યો હતો. રેલીના અંતે જી.આઈ.ડી.સી., શનાળા રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તસેવકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રેમપ્રકાદાસજી સ્વામી, પુરાણીસ્વામી, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અનેક વખત રક્તદાન કરીને માનવસેવામાં યોગદાન આપનાર વિપુલભાઈ પડસુંબિયા, કાંતિલાલ વૈષ્ણવ, મેઘજીભાઈ પરમાર, મનુભાઈ જાકાસણીયા, મહાદેવભાઈ રંગપડિયા અને રાવતભાઈ કાનગડ સહિતના રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

રક્તની જરૂરિયાત અને ઉપલબ્ધતા વચ્ચેનું અંતર ઘટાડવા માટે શું કરી શકાય તે અંગે બાઈક રાઈડના આગેવાન ડો. મનીષ વિડજાએ વિવિધ વ્યવહારુ ફોર્મ્યુલા અને આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દરેક વ્યક્તિ પોતાના બ્લડ ગ્રુપથી પરિચિત રહે, નિયમિત રક્તદાન માટે આગળ આવે અને થેલેસેમિયા તથા સિકલ સેલ જેવી બીમારીઓ અંગે જાગૃત બને તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ રક્તસેવકોના સેવાકીય પ્રયાસોને બિરદાવતાં આવા માનવતાવાદી અભિયાન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને પોતાની તરફથી શક્ય તમામ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સમર્પણ હોસ્પિટલ ખાતેથી આ રક્તસેવક બાઈક રાઈડ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. યુવા શક્તિ ગ્રુપના પિયુષભાઈ બપોલિયા તથા સમર્પણ હોસ્પિટલના ધવલભાઈ સહિત અનેક સેવાભાવી કાર્યકરોએ રેલીના આયોજનમાં સહયોગ આપ્યો હતો.

સંસ્કાર બ્લડ સેન્ટર, મોરબીના પ્રેરક પ્રેમસ્વામીએ બાઈક રાઈડરોને આશીર્વચન પાઠવી રેલીના ખર્ચ માટે રૂપિયા એક લાખની ધનરાશિ અર્પણ કરી હતી. રક્તદાનનો સંદેશ ગુજરાતના 34 જિલ્લાઓ સુધી પહોંચાડતી આ બાઈક રાઈડ સતત એક મહિના સુધી ચાલશે અને 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે તેનું સમાપન કરવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપન પુરાણીસ્વામી તેમજ સંસ્કાર ઇમેજિંગ સેન્ટર બ્લડ બેંકના કન્વીનર રમેશભાઈ મકાસણાએ સંભાળ્યું હતું. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સ્વામિનારાયણ મંદિરના હરિભક્તો અને સેવાભાવી કાર્યકરોએ મહત્વપૂર્ણ જહેમત ઉઠાવી હતી.
















