
ગોંડલ તા. ૩-૧૦-૨૦૨૬: ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ખાતે તાલુકા શાળામાં સેવા સેતુ 2.1 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગોંડલ મામલતદાર ડોડીયા સાહેબ તેમજ ટીડીઓ ગઢવી સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી માતા સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અનિલભાઈ ગોળ, દેરડી કુંભાજી તાલુકા પંચાયતના ઉમેદવાર વૈશાલીબેન ગોલ, મોટી ખીલોરી જિલ્લા પંચાયત સીટના સદસ્ય જયશ્રીબેન ચોવટીયાના પ્રતિનિધિ ભરતભાઈ ચોવટીયા તેમજ દેરડી કુંભાજી ગ્રામ પંચાયતના સરપંચ શૈલેષભાઈ ખાતરા સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દેરડી કુંભાજી ગ્રામ પંચાયત તથા તાલુકા શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન મામલતદાર ડોડીયા સાહેબ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અને સરકાર દ્વારા આપવામાં આવતી સેવાઓ અંગે ઉપસ્થિત ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી. ટીડીઓ ગઢવી સાહેબે પણ વિવિધ સરકારી યોજનાઓ હેઠળ મળતા લાભોનો વધુમાં વધુ લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ પણ સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ અને સહાય યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરી તેનો લાભ લેવા અપીલ કરી હતી.

કાર્યક્રમ અંતર્ગત ICDS વિભાગ દ્વારા આંગણવાડી વર્કર બહેનો માટે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આંગણવાડી કેન્દ્રના સંચાલક બહેનોએ વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરી હતી. CDPO સોનલબેન વાળા તેમજ ઉપસ્થિત મહેમાનોએ વાનગીઓનું નિરીક્ષણ કરી શ્રેષ્ઠ વાનગીઓની પસંદગી કરી હતી. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર ત્રણ બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનો, ગ્રામ પંચાયતના આગેવાનો તથા ગ્રામજનોનું શાબ્દિક અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

સેવા સેતુ 2.1 કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા શાળા દેરડી કુંભાજીના શિક્ષક દિપાલીબેન એમ. બગડા, ઉષાબેન વી. ભાલસોડ, પ્રીતિબેન પી. શેખડા અને મીનલબેન આર. ઉનડકટ સહિતના શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




















