HomeAllમોરબીની જનતાએ અશ્રુભીની આંખે રાજમાતા વિજયકુંવરબા સાહેબને આપી અંતિમ વિદાય

મોરબીની જનતાએ અશ્રુભીની આંખે રાજમાતા વિજયકુંવરબા સાહેબને આપી અંતિમ વિદાય

ત્રણ કલાક સુધી ચાલેલી અંતિમ યાત્રામાં હજારો નાગરિકો જોડાયા, ‘રાજમાતા અમર રહો’ના નારાથી ગુંજ્યું મોરબી : ચંદનનાં લાકડાં અને શુદ્ધ ઘીથી શાસ્ત્રોક્ત વિધિ મુજબ અંતિમ સંસ્કાર : 22 ઓક્ટોબરે ન્યૂ પેલેસ ખાતે બેસણું

તા. 18 ઓક્ટોબર, 2026: મોરબી રાજવી પરિવારનાં વડીલ અને આદરણીય રાજમાતા વિજયકુંવરબા સાહેબના નિધનથી સમગ્ર મોરબી પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. આજે રાજમાતાની અંતિમ યાત્રા શાહી પરંપરા અને ગૌરવપૂર્ણ માહોલમાં કાઢવામાં આવી હતી. સવારે 10 વાગ્યે શરૂ થયેલી આ અંતિમ યાત્રા આશરે સાડા ત્રણ કલાક બાદ બપોરે 1:30 વાગ્યાની આસપાસ અંતિમ સંસ્કારના સ્થળે પહોંચી હતી. રાજમાતાના અંતિમ દર્શન માટે મોરબી સહિત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં નાગરિકો, આગેવાનો અને રાજવી પરિવારો ઉમટી પડ્યા હતા.

અંતિમ યાત્રામાં મોરબી ઉપરાંત રાજકોટ, વાંકાનેર, વીરપુર અને કચ્છ સહિતના વિસ્તારોના રાજવી પરિવારોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ અને નાગરિકોએ અંતિમ યાત્રામાં જોડાઈને રાજમાતાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. માર્ગમાં ઠેર-ઠેર લોકોએ ઊભા રહીને અંતિમ દર્શન કર્યા હતા, જ્યારે ‘રાજમાતા અમર રહો’ના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.

રાજમાતાના અંતિમ સંસ્કાર રાજવી પરંપરા અનુસાર શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિથી કરવામાં આવ્યા હતા. આ અંતિમ ક્રિયામાં અંદાજે પાંચ મણ જેટલાં ચંદનનાં લાકડાં, પાંચથી સાત કિલો શુદ્ધ ઘી, જવ સહિતની ધાર્મિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિધિ પૂર્ણ થયા બાદ રાજમાતાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો અને મોરબીએ પોતાના આદરણીય રાજમાતાને ભારે હૈયે અંતિમ વિદાય આપી હતી.

અંતિમ યાત્રામાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, વાંકાનેરના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સહિતના રાજકીય આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સમાજના પ્રતિનિધિઓની ઉપસ્થિતિએ રાજમાતા પ્રત્યે લોકોના આદર અને સ્નેહની લાગણીને વ્યક્ત કરી હતી.

રાજમાતાની અંતિમ ઇચ્છા મોરબીમાં જ અંતિમ સંસ્કાર કરવાની હતી

રાજમાતાની અંતિમ યાત્રા પૂર્ણ થયા બાદ રાજવી પરિવારના સભ્ય વિશાલ બાબાએ અંતિમ વિદાય આપવા ઉમટી પડેલા મોરબીના નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજમાતાની અંતિમ ઇચ્છા તેમના અંતિમ સંસ્કાર મોરબીમાં જ કરવામાં આવે તેવી હતી, જે આજે પૂર્ણ થઈ છે. મોરબીના નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને જે પ્રેમ, આદર અને લાગણી સાથે રાજમાતાને વિદાય આપી છે, તે તેમના જીવનકાળ દરમિયાન લોકો સાથેના લાગણીસભર સંબંધો અને તેમના પ્રત્યેના સન્માનનું પ્રતિબિંબ છે. રાજવી પરિવારે આ અતૂટ સ્નેહ અને સહકાર બદલ સમગ્ર મોરબીની જનતાનો આભાર માન્યો હતો.

રાજમાતાનું બેસણું 22 ઓક્ટોબરે

સદગત રાજમાતા વિજયકુંવરબા સાહેબનું બેસણું ગુરુવાર, તા. 22 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 8થી 10 વાગ્યા દરમિયાન ન્યૂ પેલેસ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. રાજમાતાના સ્વજનો, શુભેચ્છકો અને નાગરિકોને આ પ્રસંગે ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જાણ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments