
સેન્ટ્રલ ગ્રીડમાંથી વધુ ઉર્જા ફાળવણી તથા કોલસાનો જથ્થો વધારવા કેન્દ્ર સમક્ષ માંગ : અમદાવાદ, તા.17 ગુજરાતમાં ધામધૂમપૂર્વક અને અદ્દભુત થનગનાટ સાથે નવરાત્રીનો તહેવાર ઉજવાય રહ્યો છે અને દિવાળીનાં તહેવારો પણ આવી રહયા છે. ત્યારે રાજયમાં વિજમાંગ રેકોર્ડસ્તરે પહોંચી ગઈ છે. સેન્ટ્રલ ગ્રીડમાંથી વધુ ઉર્જા માંગવામાં આવી છે. વિજતંત્રના સુત્રોએ કહ્યું કે, ગઈકાલે રાજયની વિજમાંગ 29822 મેગાવોટ થઈ હતી જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. ઉનાળામાં પણ વિજમાંગ આ સ્તરે પહોંચી ન હતી.

તહેવારોને કારણે કોમર્શીયલ તથા ઔદ્યોગીક વપરાશ વધવા ઉપરાંત અલનીનોની અસર હેઠળ ઉનાળા જેવી ગરમીથી ઘર-રેસીડેન્સીયલ વિજ વપરાશ પણ ઉંચો રહ્યો છે. આ સંજોગોમાં ઉનાળાની પીક સીઝન કરતા પણ વિજ ડીમાંડમાં વધારો જોવા મળ્યો છે. રાજયના ઉર્જા અને પેટ્રો કેમીકલ્સ વિભાગના સચીવ અશ્વિનીકુમારે કહ્યું કે વધતી વિજ ડીમાંડને પગલે સેન્ટ્રલ ગ્રીડમાંથી વધુ ફાળવણી કરવા તથા કોલ આધારીત વિજ મથકો માટે કોલસાની સપ્લાય વધારવાની માંગણી કરવામાં આવી છે. સપ્લાય ગેપ સરભર કરવા કેન્દ્રીય મંત્રાલય દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું છે. પ્રવર્તમાન વિજ ડીમાંડને ધ્યાને રાખીને આવતા દિવસોમાં પણ વિજમાંગ ઉંચી જ રહેવાની સંભાવનાને ધ્યાને રાખીને એડવાન્સ પ્લાનીંગ શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ચાલુ વર્ષમાં વિજ ડીમાંડ ઘણી વધુ જ રહી છે. જુન મહિનામાં સરેરાશ 26834 થી 28833 મેગાવોટની ડીમાંડ હતી જે હવે 29822 મેગાવોટના સર્વાધિક સ્તરે પહોંચી છે. આનો અર્થ એવો થાય છે કે સર્વોચ્ચ વિજ ડીમાંડ માત્ર ઉનાળામાં જ હોય તે જરૂરી નથી. ગુજરાતમાં જુન મહિના વિજ વપરાશ 586 મીલીયન યુનિટ નોંધાયો હતો. જુન 2025 ની સરખામણીએ 529 મીલીયન યુનિટ વધુ હતો.


વિજતંત્રના સુત્રોએ કહ્યું કે વધતા ઔદ્યોગીકરણ તથા ઘર વપરાશમાં વૃદ્ધિ જેવા કારણો પણ જવાબદાર છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં વિજ ડીમાંડમાં સરેરાશ 10 ટકાનો અને પાંચ વર્ષમાં 12 ટકાનો વધારો જોવા મળ્યો છે. આવતા વર્ષે પણ વિજ ડીમાંડમાં સરેરાશ 10 ટકાનો વધારો શકય છે જે ગણતરીએ ડીમાંડ 32500 મેગાવોટ સુધી પહોંચી શકે છે. સૌરાષ્ટ્રની વિજ ડીમાંડ 7667 મેગાવોટે પહોંચી ગુજરાતમાં ગઈકાલે વિજ વપરાશ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છની ડીમાંડ પણ વધીને 9667 મેગાવોટે પહોંચી હતી. સૌરાષ્ટ્ર-કચ્છમાં વિજ વિતરણ વ્યવસ્થા પીજીવીસીએલ હસ્તક છે. તહેવારો, ઉનાળા જેવી ગરમી, કૃષિ વપરાશ સહિતના કારણોસર માંગ વધી રહી છે. વિજ લોડ મેનેજમેન્ટ યુનિટ દ્વારા સમગ્ર સંચાલન કરવામાં આવતું હોય છે.























