HomeAllકચ્છમાંથી ગાયબ થયેલો ઘોરાડનો 'વંશવેલો' ફરી ધબકશે! નલિયામાં જન્મેલું બચ્ચું 'નર' હોવાની...

કચ્છમાંથી ગાયબ થયેલો ઘોરાડનો ‘વંશવેલો’ ફરી ધબકશે! નલિયામાં જન્મેલું બચ્ચું ‘નર’ હોવાની પુષ્ટિ, 6 વર્ષે મળી સફળતા

કચ્છના: અબડાસા (નલિયા) સ્થિત ઘોરાડ અભયારણ્યમાં વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક અદ્ભુત અને ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ‘જમ્પ સ્ટાર્ટ એપ્રોચ’ થકી માર્ચ માસમાં જન્મેલું ઘોરાડનું (Great Indian Bustard) બચ્ચું નર (Male) હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ ગઈ છે. વર્ષ 2020થી અભયારણ્યમાં રહેલો એકમાત્ર નર ઘોરાડ ગાયબ થઈ ગયા બાદ, ગુજરાતમાં આ પ્રજાતિના અસ્તિત્વ સામે મોટો ખતરો ઉભો થયો હતો. જો કે, નવું બચ્ચું નર હોવાનું સામે આવતાં હવે કચ્છમાં ઘોરાડનો વંશવેલો આગળ વધવાની નવી આશા જાગી છે.

શારીરિક લક્ષણો અને WII ના મૂલ્યાંકનથી પુષ્ટિ : અભયારણ્યમાં મોનિટરિંગ કરી રહેલી ટીમ અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (WII) ના વૈજ્ઞાનિક મૂલ્યાંકન બાદ આ બચ્ચું નર હોવાની પુષ્ટિ કરાઈ છે. બચ્ચાના માથા પર રાખોડી પીંછાનો અભાવ, ઘેરો કાળી રંગત, પ્રમાણમાં જાડી ગરદન અને પગની વિશિષ્ટ શારીરિક રચના જેવા નર ઘોરાડના બાહ્ય લક્ષણો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. હાલમાં નલિયા અભયારણ્યમાં ત્રણેક માદા ઘોરાડ મુક્તપણે વિહાર કરી રહી છે, અને આ નવા નર ઘોરાડના આગમનથી ભવિષ્યમાં કુદરતી સંવર્ધનનો માર્ગ મોકળો બન્યો છે. શું હતું ‘ઓપરેશન એગ ટ્રાન્સફર’?

કચ્છમાં માદા ઘોરાડ ઈંડાં તો મૂકતી હતી, પરંતુ નરની ગેરહાજરીના કારણે તે અફલિત રહેતા હતા. આ સમસ્યાના ઉકેલ માટે ‘જમ્પસ્ટાર્ટ એપ્રોચ’ હેઠળ બે રાજ્યોના વન વિભાગનું અવિરત 19 કલાકનું ઓપરેશન હાથ ધરાયું હતું. રાજસ્થાનના જેસલમેર (સેમ) સ્થિત બ્રીડિંગ સેન્ટરથી એક ફલિત ઈંડું ખાસ પોર્ટેબલ ઈન્ક્યુબેટરમાં રાખી, રોડ માર્ગે 770 કિમીનું અંતર કાપીને કચ્છ લાવવામાં આવ્યું હતું. 22 માર્ચના રોજ કચ્છની માદાના માળામાંથી અફલિત ઈંડું હટાવી આ ફલિત ઈંડું મૂકાયું હતું. માદા ઘોરાડે તેને સેવીને 26 માર્ચના રોજ તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો હતો. (ઉલ્લેખનીય છે કે, મે માસમાં આ જ પદ્ધતિથી બીજું બચ્ચું પણ જન્મ્યું હતું).

વર્ષ 2011ના વિઝનથી મળી આંતરરાષ્ટ્રીય સફળતા : વર્ષ 2011 માં તત્કાલીન મુખ્યમંત્રીના વિઝન બાદ 2016માં ‘પ્રોજેક્ટ GIB’ શરૂ કરાયો હતો. આ પ્રોજેક્ટ હેઠળ રાજસ્થાનમાં ઘોરાડની સંખ્યા વધીને 73 થઈ છે, જેનો લાભ હવે ગુજરાતને મળી રહ્યો છે. કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી અને રાજ્યના વન મંત્રીએ આ સંયુક્ત પ્રયાસોને બિરદાવતાં લુપ્ત થતી પ્રજાતિના સંરક્ષણ માટે નિર્ણાયક પગલું ગણાવ્યું હતું. હાલમાં વન વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા માદા અને આ નર બચ્ચાનું 24 કલાક કડક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એક દાયકાના ઈંતજાર બાદ કચ્છના ઘાસિયા મેદાનમાં ફરી ઘોરાડની કિલકારીઓ ગૂંજતાં વન્યજીવ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments