
ગાંધીનગર: રાજ્યના સાહિત્ય, કલા અને સંસ્કૃતિના ઉજ્જવળ વારસાને જાળવી રાખવાના ભગીરથ પ્રયાસરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત-2082’

નું વિમોચન કર્યું છે. રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રતિ વર્ષ જાળવવામાં આવતી આગવી પરંપરા મુજબ આ વર્ષે પણ દિવાળીના શુભ અવસરે આ વિશેષ અંક પ્રકાશિત કરવામાં આવ્યો છે. ગુજરાતના મુર્ધન્ય અને લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોની સર્જનશીલ કલમે કંડારાયેલી વિવિધ સાહિત્યકૃતિઓથી સજ્જ આ અંક વાચકોના મનને પ્રફુલ્લિત કરી દેનારો સાહિત્યિક રસથાળ બની રહેશે.આ વર્ષના ‘ગુજરાત દીપોત્સવી અંક’

માં રાજ્યના નામાંકિત સાહિત્યકારોનું અમૂલ્ય પ્રદાન જોવા મળે છે. ગુણવંત શાહ, વિષ્ણુ પંડ્યા, ડૉ. કુમારપાળ દેસાઈ, રઘુવીર ચૌધરી, શાહબુદ્દીન રાઠોડ, રતિલાલ બોરીસાગર, માધવ રામાનુજ અને રાજેન્દ્ર શુક્લ જેવા દિગ્ગજ સર્જકોની વૈવિધ્યસભર રચનાઓ આ અંકમાં સ્થાન પામી છે. ચિંતનાત્મક લેખો, હાસ્યરસ, કાવ્યો અને નાટિકાઓ જેવા બહુરંગી ક્ષેત્રોમાં આ સાહિત્યકારોની કલમે અદ્ભુત સાહિત્યિક સૌરભ રેલાવી છે. આ દળદાર અંકની રચના વિશે વાત કરીએ તો તેમાં સાહિત્યના જુદા જુદા પ્રકારોનો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે.

આ અંકમાં કુલ 28 ઊંડાણપૂર્વકના અભ્યાસલેખો, 28 રસપ્રદ નવલિકાઓ, 16 માનસિક તાણ દૂર કરતી વિનોદિકાઓ, 9 નાટિકાઓ અને 89 જેટલી સુંદર કાવ્ય રચનાઓનો સમાવેશ થાય છે. આ વૈવિધ્યપૂર્ણ સાહિત્ય સામગ્રી વાચકોને આહલાદક અનુભવ પૂરો પાડશે. સાહિત્યિક લખાણોની સાથે સાથે અંકની દ્રશ્ય સુંદરતા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. પ્રકૃતિની રમણીયતા, લોકજીવનની ધબકતી સંસ્કૃતિ અને માનવીય સંવેદનાઓને જીવંત કરતી 52 જેટલી મનમોહક રંગીન તસવીરો અને ચિત્રો આ અંકમાં કંડારવામાં આવ્યા છે. આ કલાત્મક છબીઓ અને ચિત્રોના કારણે દીપોત્સવી અંક વધુ નયનરમ્ય અને આકર્ષક બન્યો છે.

આ અંકના વિમોચન પ્રસંગે રાજ્યના ઉચ્ચ એડમિનિસ્ટ્રેટિવ અધિકારીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, અગ્ર સચિવ સંજીવ કુમાર, માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ ડૉ. વિક્રાંત પાંડે, અધિક માહિતી નિયામક ડૉ. સંજય કચોટ તેમજ સંયુક્ત માહિતી નિયામક જયેશ દવે સહિત માહિતી ખાતાના અન્ય ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી કાર્યક્રમને શોભાવ્યો હતો.






















