
માહિતી મોરબી: ૨૧ ઓક્ટોબર, ૨૦૨૬: મોરબી જિલ્લામાં વન વિભાગની રામપરા સેન્ચુરી રેન્જ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૬ અંતર્ગત વાંકાનેર તાલુકાનાં વિવિધ ગામોમાં પર્યાવરણ અને વન્યપ્રાણી સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ ઉજવણીના ભાગરૂપે હોલમઢ, જાલસીકા, વીડી ભોજપરા, પલાસ, ભોજપરા અને જાંબુડિયા ગામની પ્રાથમિક શાળાઓમાં ચિત્ર સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં આશરે ૩૮૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ ઉપરાંત જાલસીકા અને વીડી ભોજપરા ગામની પ્રાથમિક શાળાઓના આશરે ૧૩૫ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા સાથે શિક્ષણલક્ષી સહાય પણ પૂરી પાડવામાં આવી હતી.

વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી દરમિયાન રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોનાલી કટોચ દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણના સંતુલન જાળવવામાં વન્યપ્રાણીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અંગે સમજ આપવામાં આવી હતી. સાથે જ વન્યપ્રાણીઓના રક્ષણ, સંવર્ધન અને કુદરતી સંપદાની જાળવણી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓમાં વન્યજીવ પ્રત્યે સંવેદનશીલતા કેળવવા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.






















