
ખેડૂતોના: સળગતા પ્રશ્નો મામલે પ્રદેશ કક્ષાના ટોચના નેતાઓ અને ધારાસભ્યો મંચ ગજાવશે : ખેડૂતોને સ્પર્શતા વિવિધ સળગતા પ્રશ્નો અને પડતી મુશ્કેલીઓને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબીની ધરતી પરથી વિરોધનું બ્યુગલ ફૂંકવા આજે ખેડૂત આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા શરૂ થઈ ચૂકી છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. શનાળા-રાજપર રોડ પર આનંદ પાર્ટી પ્લોટ સામે કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ સભા શરૂ કરવામાં આવી છે. આ સભા થકી કોંગ્રેસ પક્ષ રાજ્યના ખેડૂતોની સમસ્યાઓને ઉજાગર કરી મોરબીમાંથી મોટું રાજકીય શક્તિપ્રદર્શન કરવાની તૈયારીમાં છે.

સભા સ્થળે વિશાળ સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ છે. આ મહાસભામાં કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી ગુજરાતના પ્રભારી રણદીપ સુરજેવાલા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી વિશેષ રૂપે ઉપસ્થિત રહી ખેડૂતોને સંબોધશે. તેમની સાથે શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, સાંસદ ગેનીબેન ઠાકોર, પરેશ ધાનાણી, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા અને ભચુભાઈ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ મંચ પર હાજરી આપશે. આ ઉપરાંત અનેક ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો તથા જિલ્લા પ્રમુખો પણ વિશેષ ઉપસ્થિત રહીને ખેડૂતોના આંદોલનને પોતાનું સમર્થન પૂરું પાડશે.

























