ન્યુ પેલેસ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી રાજવી પરિવારના સભ્યોને પાઠવી સાંત્વના

૨૫ ઓક્ટોબર, ૨૦૨૬: મોરબીની મુલાકાતે આવેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી રાજપરિવારનાં મોભી રાજમાતા સ્વ. વિજય કુંવરબાના દુઃખદ નિધન પર ઊંડી શોકસંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ન્યુ પેલેસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્વ. રાજમાતાની છબી સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી સદ્ગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.


મુખ્યમંત્રીએ આ સાંત્વના મુલાકાત દરમિયાન મહારાજકુમારી રૂક્ષ્મણીદેવી, મહારાજકુમારી દ્રોપદીદેવી, મહારાજકુમારી ઉમાદેવી, વિશાલ આદિત્યસિંહજી જાડેજા સહિત રાજપરિવારના સભ્યો અને સ્નેહીજનો સાથે મુલાકાત કરી હતી. તેમણે પરિવારજનોને આ દુઃખદ ઘડીમાં ધૈર્ય અને શક્તિ મળે તેવી લાગણી વ્યક્ત કરી સાંત્વના પાઠવી હતી.

મુખ્યમંત્રીએ સ્વ. રાજમાતા વિજય કુંવરબાના પ્રજાકલ્યાણ, મોરબીના પરંપરાગત વારસાના જતન તથા વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં રહેલા યોગદાનને આદરપૂર્વક યાદ કર્યું હતું.

આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રફુલભાઈ પાનસેરિયા, ત્રિકમભાઈ છાંગા, કાંતિલાલ અમૃતિયા, રીવાબા જાડેજા, મોરબીના મેયર ઉત્તમ સુરાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા, કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો પ્રકાશભાઈ વરમોરા અને દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મોરબીના કમિશનર સંગીતા રૈયાણી સહિત સ્થાનિક પદાધિકારીઓ, મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.























