
સિરામિક નગરી મોરબી હવે સ્પિરિચ્યુઅલ નગરી બનવા તરફ પ્રયાણ કરી રહી છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સ્વામિનારાયણ સંપ્રદાય વસુધૈવ કુટુંબકમ્ની ભાવના સાથે સનાતન સંસ્કૃતિને વિશ્વફલક પર ગૌરવ અપાવી રહ્યો છે






મોરબી, ૨૫ ઓક્ટોબર, ૨૦૨૬: મોરબી ખાતે નૂતન BAPS સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન અવસરે તેમણે નવનિર્મિત મંદિરમાં ભગવાનનાં દર્શન-પૂજન કરી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ, શાંતિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ તેઓ મહોત્સવ અંતર્ગત આયોજિત ભવ્ય ધર્મસભામાં સહભાગી બન્યા હતા અને ઉપસ્થિત સાધુ-સંતો તથા હરિભક્તોનું અભિવાદન ઝીલ્યું હતું.

ધર્મસભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું જતન-સંવર્ધન કરીને ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના સાથે તેને વિશ્વફલક પર ગૌરવ અપાવી રહ્યો છે. સિરામિક ઉદ્યોગના કારણે વિશ્વભરમાં ઓળખ ધરાવતા મોરબીમાં નૂતન મંદિરના નિર્માણથી શહેરની ધાર્મિક ઓળખ અને સુંદરતામાં વધારો થયો છે. સિરામિક નગરી મોરબી હવે સ્પિરિચ્યુઅલ નગરી બનવા તરફ પ્રયાણ કરી રહી છે.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવા સૌ નાગરિકોને સામૂહિક પ્રયાસોમાં જોડાવા અપીલ કરી હતી. તેમણે જળસંચય, ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી, પર્યાવરણ સંરક્ષણ, યોગ અને સ્વસ્થ જીવનશૈલીને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા અનુરોધ કર્યો હતો.

BAPS સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવતા નશામુક્તિના પ્રયાસોની સરાહના કરતાં મુખ્યમંત્રીએ વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે આ અભિયાનને વધુ વેગ આપવા જણાવ્યું હતું. વિકસિત ભારતના નિર્માણ માટે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો ઘર સભાઓ અને સામૂહિક સત્સંગ સભાઓના માધ્યમથી સામાજિક જાગૃતિ ફેલાવે તેવું આહ્વાન પણ તેમણે કર્યું હતું.

મહોત્સવના ભાગરૂપે મુખ્યમંત્રીએ નૂતન મંદિરના ગર્ભગૃહમાં વિરાજમાન ભગવાનનાં દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ પૂજન-અર્ચન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પૂજ્ય સંતો-મહંતોના આશીર્વચન પ્રાપ્ત કર્યા હતા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તો તથા ભાવિકો સાથે મહોત્સવની પાવન ક્ષણોમાં સહભાગી બન્યા હતા.

આ પ્રસંગે રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રફુલભાઈ પાનસેરિયા, ત્રિકમભાઈ છાંગા અને કાંતિલાલ અમૃતિયા, વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, મોરબીના મેયર ઉત્તમ સુરાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા, કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્યો પ્રકાશભાઈ વરમોરા, દુર્લભજીભાઈ દેથરિયા અને ડો. દર્શિતાબેન શાહ, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મોરબીના મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાંત BAPSના પૂજ્ય મહંત સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી, કોઠારી સ્વામી અને આનંદસ્વરૂપ સ્વામી સહિતના પૂજ્ય સંતો, સ્થાનિક અગ્રણીઓ, મહાનુભાવો અને મોટી સંખ્યામાં હરિભક્તો તથા નાગરિકોએ ઉપસ્થિત રહી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પાવન ઉજવણીમાં ભાગ લીધો હતો.



















