
૨૫-૧૦-૨૦૨૬: મોરબી ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની સૌરાષ્ટ્ર ઝોનની મહત્ત્વપૂર્ણ બેઠકનો પ્રારંભ થયો હતો. કમલમ કાર્યાલય ખાતે મુખ્યમંત્રીનું આગેવાનો અને પક્ષના કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




સૌરાષ્ટ્રના રાજકીય અને સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાયેલી આ બેઠકમાં આગામી રાજકીય કાર્યક્રમો, પક્ષની સંગઠનાત્મક કામગીરી અને વિકાસલક્ષી કાર્યોને વધુ વેગ આપવા સહિતના મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. પક્ષના આગેવાનો અને હોદ્દેદારોને આગામી સમયની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવનાર છે.

બેઠકમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, રિવાબા જાડેજા, કાંતિલાલ અમૃતિયા, ત્રિકમભાઈ છાંગા, પ્રફુલભાઈ પાનસેરિયા, જીતુભાઈ વાઘાણી, સાંસદ ચંદુભાઈ સિહોરા, કેસરીદેવસિંહ ઝાલા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઝોનલ બેઠકમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ભાજપના ૩૦૦થી વધુ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓ એકત્રિત થયા છે. તેમાં મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ, કારોબારીના અધ્યક્ષો તેમજ નગરપાલિકાના પ્રમુખો સહિતના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. બેઠકને આગામી રાજકીય આયોજન અને સંગઠનની કામગીરીને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.























