
નવી દિલ્હી: ચુંટણીપંચ દ્વારા કરવામાં આવેલી મતદાર યાદી ગહન પુનઃ નિરીક્ષણના કારણે એક તરફ વિવાદ સર્જાયો છે તો બીજી તરફ સરકારનો દાવો છે કે ભારતમાં ગેરકાનુની રીતે ઘુસેલા બાંગ્લાદેશ સહિતના નાગરિકોને ઓળખવા માટે આ કવાયત જરૂરી છે અને તેને ઘુસપેઠીયા તરીકે ઓળખવામાં આવે છે. તે સમયે હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘુસપેઠીયાને ઓળખવા માટે નાગરિકોની પણ મદદ માંગી છે અને ગૃહ મંત્રાલય દ્વારા એક ખાસ પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કોઈપણ નાગરિક આ ઘુસપેઠીયા અંગે માહિતી આપી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા અનેક કાયદાઓ મારફત ઘુસપેઠીયા સામે કાર્યવાહી શરુ કરાઈ છે અને સરકારે જાહેર કર્યુ છે કે એક એક ઘુસપેઠીયાને દેશ બહાર કરાશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.15 ઓગષ્ટ 2025ના જે હાઈપાવર ડેમોગ્રાફી મીશનની જાહેરાત કરી હતી અને તેના પરિણામે કેન્દ્રીય કેબીનેટ દ્વારા પણ એક ઉચ્ચ કમીટી ઘડી કાઢવામાં આવી હતી જે દ્વારા હવે ઘુસપેઠીયાઓને દેશ બહાર કાઢવા ખાસ કાર્યક્રમ શરુ કરાયો છે.

આ પ્રકારના ગેરકાનુની રીતે ભારતમાં રહેતા વિદેશીઓ સલામતી માટે પણ જોખમ છે અને તેના આધારે હવે સરકાર ઘુસપેઠીયાઓ સામે એક આક્રમક ઝુંબેશ શરુ કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના અધ્યક્ષપદ હેઠળની કમીટીએ હવે દેશના નાગરિકોને ઘુસેપેઠીયાઓને દુર કરવામાં સહયોગ આપવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારે આ માટે એક ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરશે. જેમાં નાગરિકો ઉપરાંત કોઈપણ સંસ્થા કે સમુદાય દ્વારા ઘુસપેઠીયાઓની માહિતી આપી શકાશે અને તેના આધારે સરકાર તપાસ કરીને ઘુસપેઠીયાઓને શોધી કાઢીને તેને દુર કરશે. આ રીતે લોકોની માહિતી સરકાર માટે મહત્વની બનશે.

























