HomeAllવાંકાનેરમાં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત કિશોરી મેળો યોજાયો

વાંકાનેરમાં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત કિશોરી મેળો યોજાયો

કિશોરીઓનું આરોગ્ય પરીક્ષણ કરી પોષણ, વ્યક્તિગત સ્વચ્છતા અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા અંગે અપાયું માર્ગદર્શન

૨૨-૧૦-૨૦૨૬: મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત વાંકાનેર ઘટક કક્ષાએ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દીકરીઓના સર્વાંગી વિકાસ, આરોગ્ય સુધારણા, પોષણ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં કિશોરીઓને આરોગ્ય અને સ્વચ્છતા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કિશોરી મેળા દરમિયાન ઉપસ્થિત કિશોરીઓનું વજન, ઊંચાઈ, બોડી માસ ઇન્ડેક્સ (BMI) અને હિમોગ્લોબિન સહિતનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવા, વ્યક્તિગત સ્વચ્છતા, યોગ્ય પોષણ અને આરોગ્યની સંભાળ અંગે જરૂરી માહિતી આપી કિશોરીઓમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના સહિત દીકરીઓના કલ્યાણ અને વિકાસ માટે અમલી વિવિધ સરકારી યોજનાઓ વિશે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, કિશોરીઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવામાં ઉપયોગી બને તેવી મેન્સ્ટ્રુઅલ હાઇજિન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, દહેજ પ્રતિબંધક અધિકારી-સહ-રક્ષણ અધિકારી સીમાબેન શિંગાળા, બાળ વિકાસ યોજના અધિકારી કલ્પનાબેન શુક્લ, મેડિકલ ઓફિસર જિનાલીબેન સંઘાણી, જિલ્લા કો-ઓર્ડિનેટર મયુરભાઈ સોલંકી, પૂર્ણા કન્સલ્ટન્ટ દક્ષાબેન, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી વર્કર્સ તેમજ પૂર્ણા યોજના અને બાલિકા પંચાયત સાથે જોડાયેલી કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.

આ કિશોરી મેળા દ્વારા કિશોરીઓમાં આરોગ્ય, પોષણ અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાની સાથે દીકરીઓના સ્વસ્થ, સુરક્ષિત અને સશક્ત ભવિષ્યના નિર્માણ માટે પ્રોત્સાહક પહેલ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments